Google Search

Thursday, December 22, 2011

ઈશ્વર

એક ધનવાન માણસ હતો. દરિયામાં એકલા ફરવા તેણે બોટ વસાવી હતી. રજાના દિવસે તે પોતાની બોટમાં દરિયો ખુંદવા નીકળ્યો. મધદરિયે પહોંચ્યો ત્યાં દરિયામાં તોફાન આવ્યું. બોટ ડૂબવા લાગી. બોટ બચવાની કોઇ શકયતા ન લાગી ત્યારે એણે લાઇફ જેકેટ પહેરીને દરિયામાં પડતું મૂકયું. બોટ ડૂબી ગઇ. તોફાન પણ શાંત થઇ ગયું. તરતો તરતો એ માણસ એક ટાપુ પર પહોંચી ગયો. ટાપુ ઉપર કોઇ જ ન હતું. ટાપુના ફરતે ચારે તર ઘૂઘવતા દરિયા સિવાય કંઇ જ નજરે પડતું ન હતું. એ માણસે વિચાર્યું કે મેં તો મારી આખી જિંદગીમાં કોઇનું કંઇ બૂરું કર્યું નથી તો પછી મારી હાલત આવી શા માટે થઇ? તેના મને જ જવાબ આપ્યો કે જે ઇશ્વરે તોફાની દરિયાથી તેને બચાવ્યો છે એ જ ઇશ્વર કંઇક રસ્તો કાઢી આપશે.

દિવસો પસાર થવા લાગ્યા. ટાપુ પર ઉગેલા ઝાડ-પાન ખાઇને એ માણસ દિવસો પસાર કરતો હતો. થોડા દિવસમાં તેની હાલત બાવા જેવી થઇ ગઇ. ધીમે ધીમે તેની શ્રદ્ધા તૂટવા લાગી. ઇશ્વરના અસ્તિત્વ સામે પણ તેને સવાલો થવા લાગ્યા. ભગવાન જેવું કંઇ છે જ નહીં, બાકી મારી હાલત આવી ન થાય. ટાપુ ઉપર કેટલાં દિવસો કાઢવાના છે એ તેને સમજાતું ન હતું. તેને થયું કે લાવ નાનકડું ઝૂંપડું બનાવી લઉં. ઝાડની ડાળી અને પાંદડાની મદદથી તેણે ઝૂંપડું બનાવ્યું. એને થયું કે, હાશ, આજની રાત આ ઝૂંપડામાં સૂવા મળશે. મારે ખુલ્લામાં સૂવું નહીં પડે. રાત પડી ત્યાં વાતાવરણ બદલાયું. અચાનક વીજળીનાં કડાકા-ભડાકા થવા લાગ્યા. ઝૂંપડીમાં સૂવા જાય એ પહેલાં જ ઝૂંપડી ઉપર વીજળી પડી. આખી ઝૂંપડી ભડભડ સળગવા લાગી. એ માણસ સળગતી ઝૂંપડી જોઇ ભાંગી પડયો. ઈશ્વરને મનોમન ભાંડવા લાગ્યો. તું ઈશ્વર નથી, રાક્ષસ છો, તને દયા જેવું કંઇ નથી. તું અત્યંત ક્રૂર છો. 


હતાશ થઇને માથે હાથ દઇ રડતો રડતો એ માણસ બેઠો હતો. અચાનક જ એક બોટ ટાપુના કિનારે આવી. બોટમાંથી ઉતરીને બે માણસો તેની પાસે આવ્યા. તેણે કહ્યું, અમે તમને બચાવવા આવ્યા છીએ. તમારું સળગતું ઝૂંપડું જોઇને અમને થયું કે આ અવાવરું ટાપુ પર કોઇ ફસાયું છે. તમે ઝૂંપડું સળગાવ્યું ન હોત તો અમને ખબર જ ન પડત કે અહીં કોઇ છે! એ માણસની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. ઈશ્વરની માફી માંગી અને કહ્યું કે મને કયાં ખબર હતી કે તેં તો મને બચાવવા માટે મારું ઝૂંપડું સળગાવ્યું હતું!

No comments:

" Motivational Video "

All Posts on this blog are the property of their respective authors. All information has been reproduced here for educational and informational purposes.