એક ભણેલા-ગણેલા માણસને કોઈ કામ મળતું ન હતું. તે પોતાની બેકારીથી ખૂબ જ કંટાળ્યો હતો. તે સતત પ્રયત્ન કર્યા કરતો હતો,પરંતુ છતાં પણ તેને કોઈ કામ મળતું ન હતું. તેની આવી સ્થિતિમાં તેના મિત્રો-સંબંધીઓએ પણ તેનો સાથ છોડી દીધો હતો. તેમ છતાં તે માણસ નિરાશ ન હતો.
તેની આવી સ્થિતિ જોઈને એક ચોરને તેના પર દયા આવી. ચોરે તે માણસને કહ્યું, ‘તું મારી સાથે ચાલ, ચોરીનું કામ કરવામાં મને મદદ કર. તેનાથી તને ખૂબ જ ધન મળશે. તારી સ્થિતિ પણ સુધરી જશે.’ આ વાત સાંભળી તે માણસ અચરજમાં પડી ગયો, પરંતુ બહુ સમજ્યા-વિચાર્યા પછી તે બેકાર માણસ ચોરની સાથે કામ કરવા માટે તૈયાર થઈ ગયો. તેણે ચોરને કહ્યું, ‘મને ચોરી કરવાની કળા તો આવડતી નથી, તો કરીશ કેવી રીતે?’ ચોરે કહ્યું, ‘એની ચિંતા ન કરીશ, હું તને બધું જ શીખવી દઈશ’ એક દિવસ બંને ગામથી દૂર ખેતર તરફ જવા માટે નીકળ્યા. રસ્તામાં એક પાકેલા અનાજથી લહેરાતું ખેતર તેમણે જોયું અને ત્યાંથી અનાજ લણી લેવાનું નક્કી કર્યું. આમ તો રાત્રીના સમયે ત્યાં કોઈ રખેવાળ હોતા નથી, છતાં પણ ચોરે પોતાના નવા સાથીદારને ખેતરના છેડે ઊભો રાખ્યો, જેથી તે નજર રાખી શકે કે કોઈ આવતું તો નથી ને! ચોર જાતે ઊભા પાકને લણવા લાગ્યો. નવા-નવા બનેલા પેલા ચોરે થોડીક વાર પછી બૂમ પાડી કે, ‘ભાઈ, જલદી કરો, અહીંથી ભાગી જઈએ, ખેતરનો માલિક નજીકમાં જ ઊભો રહીને બધું જોઈ રહ્યો છે, હું તો ભાગુ છું.’ આ સાંભળી ચોર પાક લણવાનું મૂકી ખેતર છોડીને ભાગ્યો. થોડેક દૂર જઈને બંનેએ દોડવાનું બંધ કરીને ઊભી રહી ગયા. પછી ચોરે પોતાના સાથીને પૂછયું, ‘ખેતરનો માલિક ક્યાં હતો, કેવી રીતે જોઈ રહ્યો હતો?’ તેના સાથીએ કહ્યું, ‘ઈશ્વર આપણાં બધાનો માલિક છે. આ સંસારમાં જે કંઈ પણ છે, તે એનું જ છે. તે દરેક જગ્યાએ હાજર છે અને બધું જ જોઈ રહ્યાં છે. ઈશ્વર સર્વવ્યાપક છે, તેમનાથી કંઈ પણ છૂપું નથી. મારા આત્માએ કહ્યું કે ઈશ્વર અહીં (ખેતર) પણ હાજર છે અને આપણી ચોરીને જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આપણું ત્યાંથી ભાગી જવું મને ઉચિત લાગ્યું.’ આ વાતનો ચોરના મન પર ઊંડો પ્રભાવ પડયો અને ચોરે હંમેશા માટે ચોરી કરવાનું છોડી દીધું. થોડા સમય પછી બંનેને મનગમતું અને લાયક કામ મળી ગયું.
No comments:
Post a Comment