Google Search

Sunday, December 11, 2011

દષ્ટાંત કથાઓ – વિનોબા ભાવે


[1] તને શાનું જોર આવે છે ?
એક સાધુ હતો. એક દુર્જનની સાથે એને પનારો પડ્યો. સાધુ એને સમજાવવા બહુ બહુ મથ્યો તોયે પેલો સમજ્યો નહીં. એટલે છેવટે ગુસ્સે થઈને સાધુ ત્યાંથી જતો રહ્યો. તે રાતે સાધુને સ્વપ્નામાં ભગવાન દેખાયા અને કહ્યું, ‘અલ્યા મૂરખ ! એ દુર્જનને હું તો વેઠી લઉં છું. મેં એને મારી આ સૃષ્ટિમાં આશરો આપ્યો છે. તે તું મારા કરતાંય શુદ્ધ થઈ ગયો કે તારાથી એને જરાયે વેઠી લેવાતો નથી ?
સાધુ ગેંગેફેફેં થઈ ગયો ને કહેવા લાગ્યો, ‘આપ તો પરિપૂર્ણ શુદ્ધ છો.’ ત્યારે ભગવાને કહ્યું, ‘હું અણિશુદ્ધ હોવા છતાં પણ જો આ દુર્જનને વેઠી લઉં છું તો તને શું જોર આવે છે ?’ ભગવાન પર જેને આસ્થા હોય એણે ભગવાનનાં સરજેલાં સહુ કોઈ પર પ્રેમ અને વિશ્વાસ રાખવો જોઈએ. માનવ-હૃદય પર શ્રદ્ધા ધરાવવી એનું નામ જ આસ્તિકતા !
[2] ભગવાન અને કંજૂસ
એક માણસ હતો. ભારે કંજૂસ હતો. કોઈકે એને કહ્યું કે, ‘આપણે જો એક કણ આપીએ છીએ તો ભગવાન એકના સો કરીને પાછા વાળે છે.’ પેલો કંજૂસ ભગવાન સાથે રમત રમે છે. અને વેપાર કરતો હોય એમ કહે છે, ‘હે ભગવન, તારે લેવાનો એક દાણો કાપી લઈને બાકીના નવ્વાણુ દાણા મને આપ….’ ત્યારે ભગવાન એને સમજાવતાં કહે છે, ‘આ કંઈ સરવાળાનો દાખલો નથી. આ તો ગુણાકારનો દાખલો છે. જો તું એક દાણો આપશે તો હું સોગણા કરીને સો આપીશ. અને જો તું મીંડું આપશે તો હું મીંડું આપીશ, કેમકે મીંડાને સોએ ગુણવાથી મીંડું જ આવે, સમજ્યો ને !’ પેલો કંજૂસ હવે શું બોલે ?
[3] માલિકની પોટલી
એક વાર અમે એક કિલ્લા પર ચડી રહ્યા હતા. ચડતાં-ચડતાં એક એવી વસમી જગ્યા પર આવી ગયા કે આગળ વધવાનું મુશ્કેલ થઈ પડ્યું. પીઠ પર ને માથે સામાનનો ભાર હતો. એટલે નીચે ઊતરવાનું પણ મુશ્કેલ હતું. સામાન ફેંકી દઈ, હળવા થઈએ તો જ ઉપર ચડવાનું શક્ય હતું. એથી અમે ગાંસડી બાંધીને કેટલોક સામાન નીચે ફેંકી દીધો. ગબડતી-ગબડતી એ ગાંસડી નીચે પહોંચી ગઈ. હળવા થઈને લહેરથી અમે એને ગબડતી જોઈ રહ્યા. તેમ જ મઝાથી એનાં ગબડવાનો અવાજ સાંભળી રહ્યા. કારણ કે એનો ત્યાગ કરવાથી અમે ઊગરી ગયા હતા. આજે પણ એ જ સવાલ છે. આપણી પોટલીને બચાવવી છે કે આપણી જાતને ? જે પોતાની પોટલી ફેંકી દેશે તેઓ બચી જશે અને બુદ્ધિશાળી સાબિત થશે.
[4] જ્ઞાનીની શોધ
એક રાજા હતો. દરિયાવ દિલનો હતો. વિદ્યાપ્રેમી હતો. જ્ઞાની પુરુષને જોઈને એ રાજી થતો. વિદ્વાનને મળતાં એનું હૈયું હરખાતું. કોઈ કહેતું કે ફલાણે ઠેકાણે અમુક વિદ્વાન રહે છે; તો રાજા તેને અચૂક મળતો. અને જ્ઞાન-ચર્ચા કરતો. એક વાર કોઈકે રાજાને કહ્યું :
‘રાજન, આપના રાજ્યમાં એક વિદ્વાન આવેલ છે. બહુ જ્ઞાની છે.’
‘ક્યાં રહે છે ?’ રાજાએ ઉત્સુકતાથી પૂછ્યું.
‘અત્યારે ક્યાં છે; તેની પાકી ખબર તો નથી.’
‘ભલે. હું તપાસ કરાવું છું.’ પછી રાજાએ પોતાના સારથિને કહ્યું, ‘ફલાણા વિદ્વાનનું નામ સાંભળ્યું છે. તે ક્યાં રહે છે તેની તપાસ કરો.’
સારથિ ગયો ને ઠેરઠેર તપાસ કરી. આખીયે રાજધાની શોધી વળ્યો પણ પેલા વિદ્વાનનો કંઈ પત્તો મળ્યો નહીં. આખરે થાકીને એ રાજા પાસે પાછો આવ્યો ને કહ્યું, ‘આખું યે શહેર ખૂંદી વળ્યો પણ ક્યાંય એ જ્ઞાનીની ભાળ મળી નહીં.’
‘ક્યાં ક્યાં તેં તપાસ કરી ?’ રાજાને પૂછ્યું.
‘રાજધાનીનો ખૂણેખૂણો જોઈ વળ્યો. ‘સારથીએ કહ્યું.
‘અરે, મૂર્ખ ! તું તે કેવો છે ! જ્યાં જ્ઞાની પુરુષો રહેતા હોય ત્યાં તપાસ કરવી જોઈએ ને ? જ્ઞાની તે વળી નગરમાં રહેતા હશે ?’ સારથિ સમજી ગયો. એ વનમાં ગયો. ત્યાં એને પેલા જ્ઞાની પુરુષ મળ્યા. એટલે તે તેમને રાજા પાસે સન્માનભેર લઈ આવ્યો. પછી એ વિદ્વાન અને રાજાએ જ્ઞાન-ચર્ચા કરી.
ઉપનિષદનો ઋષિ શહેરમાં જ્ઞાની રહેતા હોય તેવી આશા નથી રાખતો ! આશ્ચર્યની વાત છે ને ! અને આજે જુઓ તો જે કોઈ વિદ્યાલય કે કૉલેજ ખૂલે છે તે શહેરમાં જ ! જો કે હું તો ઘણીયે વાર કહું છું કે વિદ્યાલય તો ઘણાં બધાં નીકળે છે પણ તેમાં ‘વિદ્યાનો લય’ થાય છે. એ ‘વિદ્યાનાં આલય’ નથી રહ્યાં ! કેમકે અત્યારે જે વિદ્યા અપાય છે, તે આપણા ખપની તો છે નહીં, માટે એમાં વહેલી તકે પરિવર્તન કરવાની જરૂર છે.
[5] ભગવદર્પણ
આંધ્રમાં ‘પોતના’ નામના એક ભક્ત-કવિ થઈ ગયા. એ ખેડૂત હતા ને છેવટ સુધી ખેડૂત જ રહ્યા. પણ કંઈક સંસ્કૃત જાણતા હતા એટલે એમણે ભાગવતનો તેલુગુમાં અનુવાદ કર્યો. ગ્રંથ પૂરો થયો ત્યારે મિત્રોએ સૂચવ્યું કે, ‘આ ગ્રંથ રાજાને અર્પણ કરો. જેથી કરીને એનો ખૂબ પ્રચાર થઈ શકે.’ પરંતુ પોતનાએ કહ્યું :
‘ના જી, ભગવાન કૃષ્ણની આ ગાથા ગાઈ રહ્યો છું, તે કંઈ રાજાને અર્પણ કરાય ?’ રાજાને સમર્પણ કરવાનો એમણે સાફ ઈન્કાર કરી દીધો ! એથી રાજાને ખોટું પણ લાગ્યું પરંતુ પોતનાએ એની જરાયે પરવા ન કરી. અને સમર્પણ-પત્રિકામાં લખ્યું : ‘ભગવાનની આ કૃતિ ભગવાનને અર્પણ કરું છું…..’
આવા જ લોકોને કારણે હિંદુસ્તાનના સાહિત્યનો વિકાસ થયો છે, જેમણે રાજાઓની પરવા નથી કરી, જેમણે લક્ષ્મીને માતા માની છે, દાસી નહીં, જેઓ ધનથે ખરીદી શકાતા ન હતા. તુલસીદાસ, કબીર, તુકારામ, પોતના વગેરે એવા સાહિત્યકાર હતા ! એ રાજ્યાશ્રિત નો’તા, પરંતુ ભગવાનના આશ્રિત હતા.
[6] લોક-સંગ્રહની લીલા !
એક વાર શંકર અને પાર્વતી નંદી પર બેસીને ફરવા નીકળ્યાં. તે જોઈને કોઈ વટેમાર્ગુએ કહ્યું : ‘એ બળદ છે તો શું થઈ ગયું ? બિચારાનો એનોયે જીવ તો છે જ ને ! આમ બબ્બે જણ એના પર બેસીને એને તબડાવે એ તે કંઈ ઠીક કહેવાય ?’ પેલા વટેમાર્ગુનું મન મનાવવા માટે પાર્વતી માતા ઊતરી ગયાં અને પગે ચાલવા લાગ્યાં. એટલે થોડી વાર પછી વળી કોઈએ ટીકા કરી, ‘આવી ફૂલની કળી જેવી સ્ત્રીને પગે ચલાવે છે. ને પોતે બળદ પર ચડી બેઠો છે ! આવી સુકુમાર અબલાની દરકાર ન કરનાર આ પહેલવાન જેવો કોણ હશે ભાઈ ?’ એટલે ભગવાન શંકરને થયું : ‘ચાલ, હું ચાલું ને પાર્વતીને બેસાડું.’ પછી દેવી નંદી પર બેઠાં અને શિવજી ચાલવા લાગ્યા. લોક કહેવા લાગ્યું, ‘કેવી બેશરમ સ્ત્રી છે ! પતિદેવ પગ ઘસી રહ્યાં છે ને પોતે બળદ પર સવારી કરી રહ્યાં છે !’
આખરે શિવ અને પાર્વતી થાક્યાં. લોકોની ટીકાથી કંટાળ્યાં. એટલે બન્ને જણ ચાલવા લાગ્યાં. નંદીને દોરીને ચાલવા લાગ્યાં. એટલામાં નારદજી આવી પહોંચ્યા. તેમણે મલકાતે મોઢે કહ્યું, ‘એમ કરો ત્યારે, નંદીને તમે બંને જણ ખભે ઉપાડીને ચાલો ! ભાઈ…. એ તો લોક છે. લોકો તો ટીકા કરે. પણ નંદી તમારું વાહન છે. તે તેના પર સવારી નહીં કરો તો શા ખપમાં આવશે ?’ ત્યારે બંને જણ અગાઉની પેઠે નંદી પર બેઠાં. નારદના કહેવાનો મુદ્દો તેમના ધ્યાનમાં આવી ગયો કે, ‘પોતાનું તત્વ છોડી દઈને તરંગી લોકસંગ્રહની પાછળ જવામાં કોઈ અર્થ નથી.’ આવી છે લોક-સંગ્રહની લીલા !
[7] સત્યાગ્રહ
શંકરાચાર્યને પૂછવામાં આવ્યું કે, ‘એક વાર સમજાવવામાં આવે છતાં તમારી વાત ન સમજે તો શું કરશો ?’ તો એમણે કહ્યું, ‘હું બીજી વાર સમજાવીશ. જો બીજી વાર પણ ન સમજે તો ત્રીજી વાર સમજાવીશ. જ્યાં સુધી એ નહીં સમજે ત્યાં સુધી સમજાવ્યે રાખીશ. છેલ્લી ઘડી સુધી સમજાવવું એ જ મારું કામ છે.’ જ્ઞાનશક્તિ પર આ જે વિશ્વાસ છે, વિચારશક્તિ પર વિશ્વાસ છે, એનું નામ જ સત્યાગ્રહ છે.

No comments:

" Motivational Video "

All Posts on this blog are the property of their respective authors. All information has been reproduced here for educational and informational purposes.