ઘરના આંગણમાં ખીલેલાં ચંપાનાં લીલાંછમ પર્ણો વચ્ચે ઊગેલાં શ્વેત ફૂલો, અડધાં આંગણમાં ખરતાં ને અડધાં આંગણની બહાર. બન્ને બાજુની ધરાને સુરભિત કરતાં આ ફૂલો જેવા જ પન્નાકાકાય. જેટલી સૌરભ એમના લેખનની એટલો જ પમરાટ એમના નિજી જીવનનો. ગૌર, તેજસ્વી, શાંત ચહેરો, વાંકડિયા વાળ, સપ્રમાણ દેહ, ચોખ્ખું સાફ મન. હંમેશાં શ્વેત કપડાંમાં દીપતા પન્નાકાકા મારી યાદમાં તો આમ જ બેસે.
સાંજ પડે ઓસરીમાં ગોઠવેલી આરામ-ખુરશીમાં આંખ મીંચી આરામ કરતા હોય અથવા અમને એટલે કે છોકરાઓને રમતાં નીરખતા હોય. અમે એમની આસ-પાસ રમીએ, તોફાન કરીએ, બાખડીએ, ક્યારેય કશીયે વાતની રોક-ટોક કરતાં મેં કાકાને જોયા નથી. વડીલ સામે બેઠા છે નો ક્ષોભ કે સંકોચ અમને ક્યારેય નડ્યો નથી. અમે કાકાને સ્લીપિંગ પાર્ટનર કે શાંત ભીરુ જ માની લેતા. કાકા સાથે સંવાદ સાધવો હોય તો હંમેશ તેમની પાસે રહેતી પ્લાસ્ટિકની પાઈપ જ માધ્યમ બનતી.
સવાર પડે બે મજલાના ઘરના ઉપરના માળે આવેલી બાલ્કનીમાં ખુરશી નાખી સતત લખ્યા કરે એ મારા ઘરેથી દેખાય. ત્યારે કાંઈ એવી જાણ નહોતી કે પન્નાકાકા મોટા લેખક છે. પણ એમને જોઈએ ત્યારે એમ થાય કે હવે અમારોય અભ્યાસનો સમય થયો. આમ તો જીવન ખૂબ સાદું, કશાનો કશોય આગ્રહ નહિ. હા એક ચા પીવાની ટેવ ખરી. દિવસના અગિયાર વાગે એટલે દાદર ઉપરથી ચાની ફરમાઈશ જરૂર થાય. વાલીબહેન (કાકી)નો એ સમય રસોઈનો. એટલે ચા બનાવવામાં વહેલું-મોડું થાય તો ચલાવી લે. કોઈ આવે-જાય તો ચા ખાસ મુકાવડાવે અને ઘૂંટડો ચા સાથે એય પી લે. ગુસ્સો તો કાકાથી વેંત છેટો રહે. લખતા હોય ને પૌત્ર યશ દાદર ચઢી ઉપર દોડી આવે. કાગળોની ખેંચા-ખેંચ કરે, લખેલા કાગળો વીખેરી નાખે. હવે આ વંટોળને શાંત કેમ પાડવો. ખૂબ સાહજિક રીતે એનો ઉકેલ શોધી કાઢેલો. ખિસ્સામાં ફુગ્ગા રાખે, નાનો યશ ફુગ્ગા ફૂટવાના અવાજથી ડરે, એટલે ફુગ્ગો ખિસ્સામાંથી કાઢી બતાવે, ત્યાર બાદ યશભાઈ એમનાથી દૂર જ રહે.
કાકા ખૂબ જ પ્રેમાળ. કુટુંબના દરેક સભ્ય માટે લાગણી પણ એટલી જ. દરેકની પ્રવૃત્તિ પર ધ્યાન રાખે. પણ એમના વિચારો કે નિયમો કુટુંબના માથે ઠોકી બેસાડવાનો આગ્રહ કદીયે નહિ. બાળકોને પૂરતી સ્વતંત્રતા આપેલી. કુટુંબમાં આવી પડતા કોઈ પણ પ્રશ્નનો ઉકેલ સમજણથી લાવવાની ત્રેવડ પ્રકૃતિદત્ત જ. આ કુનેહની પરીક્ષા જ જાણે લેવાની હોય તેમ નાની દીકરી નંદાએ પોંડિચેરી શ્રી અરવિંદના આશ્રમમાં ભણવા જવાની જીદ પકડી. હવે વાલીબહેનને એમનાં બાળકો પર અત્યંત વહાલ, એમનું જીવન જ એમની આસ-પાસ વણાતું રહેતું, આથી નંદા જરાય અળગી થાય તે એમનાથી કેમ સાંખી શકાય. બસ, રિસાઈ ગયાં. ના નંદા સાથે બોલે, ના કુટુંબના કોઈ સભ્યો સાથે. અને પન્નાકાકા પર તો રીસ ને ખીજ બન્ને ઊતરી આવેલાં. ખૂબ રડે. રડતાં રડતાં જ જાહેર ફરમાન બહાર પાડી દીધું – આ બે દીકરા-દીકરી મારાં અને આ બે તમારાં. નાનપણમાં કાકાએ માવડિયાપણાનું ઉપનામ તો સહજ પ્રાપ્ત કરેલું. એટલે વાલીબહેનની સંવેદનાઓ સારી રીતે સમજી શકતા. વાલીબહેનનું દુઃખ જોઈ, અંદર ને અંદર વલોવાયા કરે. વારે વારે રસોડામાં જઈ મનાવવા પ્રયત્ન કરે. પણ ના માને નંદા કે ના માને વાલીબહેન. આવી ખેંચતાણ થોડો સમય એમણે એમ જોયા કરી. ત્યાર બાદ નિવેડો લાવવા નંદાને કહ્યું સારું, તારે જવું હોય તો જા. બાનું દુઃખ નંદાને પણ વ્યથિત કરી જ ગયું હશે. સાત મહિના પોડિંચેરી રહી પાછી આવી. કુટુંબમાં ફરી શાંતિ સ્થપાઈ. આ જ વાલીબહેન પહેલ-વહેલાં પરણીને સાસરે આવ્યાં ત્યારે નવાં રંગીન કપડાંમાં, આખો મેળો મલપતો હોય તેમ ઘરમાં મહાલ્યાં કરતાં અને લો ‘મળેલા જીવ’ની જીવી ક્યાં દૂર હતી ? સહજ રીતે પાત્ર રચાઈ જ જાયને !
નાનપણથી જ જીવનની કઠણાઈને વેઠવાને કારણે સામેની વ્યક્તિને સમજવાની, એમની સંવેદનાઓને પરખવાની શક્તિ ખૂબ ખીલેલી. આથી એમની જ્ઞાતિમાંય માન મેળવેલું. કુટુંબમાં ક્યારેય બાધારૂપ ન બનતા. પન્નાકાકા બને ત્યાં સુધી પોતાનું કાર્ય પોતે કરી લેતા. પુત્રવધૂઓ સરલાબહેન અને દષ્ટિ પર દીકરીનો ભાવ રાખતા. હંમેશાં એમનું કામ હળવું કરવાની કોશિશ કરતા, પુત્રવધૂઓને પણ એમના માટે પિતા જેવો જ ઉમળકો. કાકાની સેવા પૂરી નિષ્ઠાથી કરતી. વાર-તહેવારે ગળપણ બનાવવાનું જરૂર યાદ દેવડાવતા. આગ્રહ કરી દરેકને ખવડાવતાય ખરા, પરંતુ એમને પોતાને ખાવા-પીવાની ખાસ કાંઈ તમા નહિ. એક વાર ખરી મજા થઈ. કાકાના વેવાઈ લેખક શ્રી રઘુવીર ચૌધરી, ભરતના સસરાને ત્યાં જમવાનું આમંત્રણ હતું. કાકાની નાદુરસ્ત તબિયત અને મોટા દીકરા અરવિંદભાઈને ઓફિસના રોકાણે જઈ શક્યા નહિ. શ્રી રઘુવીર ચૌધરીને ત્યાંથી ટિફિન આવેલું. અરવિંદભાઈ ઓફિસથી હજુ આવ્યા નહોતા. પન્નાકાકાએ તો જમવા ટિફિન ખોલ્યું. ફ્રૂટસલાડના બે ડબ્બા કેમ મોકલાવ્યા હશે એ વિચારતાં બન્ને ડબ્બાનું ખાદ્ય એકમાં જ કરી નાખ્યું. અરવિંદભાઈ ઓફિસથી આવી જમવા બેઠા ત્યારે ખ્યાલ આવ્યો કે બીજા ડબ્બામાં તો કઢી હતી. ભૂલ સ્વીકારવામાં જરાય નાનમ નહિ, તરત ભૂલ સ્વીકારી લીધી.
કોઠાસૂઝ અને વ્યવહારુપણાનો સ્વભાવ પહેલેથી જ. સાધના પ્રકાશન શરૂ કર્યું ત્યારે તેમાં પ્રસાર, પ્રચાર કેમ કરવો તેનું આયોજન શિસ્તબદ્ધ કરતા, પરંતુ જ્યારે લખાણ લખતા હોય ત્યારે તો પૂરેપૂરા લેખક. પાત્ર સાથે એટલી તો નિકટતા અનુભવતા કે પાત્રની સંવેદનાઓ વર્ણવતાં રડી પડતા. સાવ નજીવી બાબતમાંથી વાર્તા ઘડી કાઢતા. ઈન્ડોર પેશન્ટ, ઓફિસના પ્યુનની વાસ્તવિકતા પરથી નીપજેલી વાર્તા છે. લખાણોની ટીકાત્મક આલોચનાથી નિરાશાય અનુભવે. રવિશંકર મહારાજ પર ‘જેણે જીવી જાણ્યું’ નામનું પુસ્તક લખેલું. વર્તમાનપત્રોની કટારોમાં એના વિશે ટીકાઓ લખાઈ. દુઃખી થઈ ગયા અને તેનો રદિયો પણ આપેલો. લેખક શ્રી પીતાંબર પટેલ અને શ્રી ઈશ્વર પેટલીકર ગાઢ મિત્રો. પંદરેક દિવસે તેમની ગોઠડી મંડાય. પીતાંબરકાકા સાથે સાહિત્યની, રાજકારણની ઉગ્ર ચર્ચાઓ થાય. આ ચર્ચા પેટલીકરકાકા મંદ-મંદ હસતાં સાંભળ્યા કરે. ચર્ચામાં ભાગ ન લે. ત્રણેય સાથે ફરવા નીકળે ત્યારે તો ગુજરાતી સાહિત્યના તળની ફોરમ ફોરતી હોય તેવું લાગે, પહેલ-વહેલી વાર શાળાએ જતાં ત્યજાયેલો માતાનો ખોળો કે ઈડરની બોર્ડિંગ સ્કૂલ જતાં જયશંકર મહારાજની છૂટતી આંગળી વખતે જે એકલતાનો અનુભવ થયો હશે, એવો જ એકલાપણાનો અનુભવ આવા સાવ નજીકના મિત્રોની વિદાય વેળાએ થયો હશે. જીવન સંકેલી લેવાનો મનસૂબો મનમાં ઘડાતો રહ્યોય હોય. કહેતા : ‘મારા ભાગનું જીવન તો જીવી ચૂક્યો, આ વિશેષ જીવન એ તો માતાજીની કૃપા. એનું જતન ન હોય.’ બ્લડ-પ્રેશર હાઈ રહે. પગે સોજા આવે પણ ગણકારે જ નહીં. દવા ન જ લેવી એવી મમત. ચાલવાની મુશ્કેલી, પગ ઘસડીને થોડુંઘણું ચાલે. સાંભળવાનું બિલકુલ ઓછું થઈ ગયું. વાલીબહેન સાથેનો સંપર્ક નહીંવત થયો. લખીને સમજાવાનો ઉપાય કુટુંબે શોધી કાઢ્યો, પરંતુ એમાંય કેટલીયે વાર ગેરસમજ થાય. કષ્ટ તો થતું હશે પણ ક્યારેય ફરિયાદ નહિ. પોતાની અકળામણ કોઈની સામે રજૂ કરવાની આદત જ નહિ. વાલીબહેનને એટેક આવ્યો ત્યારે દીકરી ઉષા સાથે સહજ મન મોકળું થઈ ગયેલું બસ એટલું જ. મનોબળ મજબૂત રીતે કેળવાયેલું.
1986, પંચોતેરમું, અમૃત જયંતીનું વર્ષ. કાકા એમની પ્રિય આરામખુરશીમાં બેઠા છે. દીવાનખંડમાં સતત ફોનની ઘંટડી રણકી રહી છે. શબ્દોનો સર્જનહાર શ્રાવ્યથી સાવ વિમુખ એટલે એક અદ્દભુત ઘટના ઘટી રહી છે. તેનાથી તદ્દન જ અજાણ. થોડી વારે અરવિંદભાઈ પાસે આવી સમજાવે છે, 1986ના વર્ષનો ભારતનો સર્વોત્તમ જ્ઞાનપીઠ પુરસ્કાર લેખક શ્રી પન્નાલાલ પટેલને પ્રદાન થાય છે. આરામખુરશીમાં જ થોડી મિનિટો આંખો બંધ કરી દીધી. મીંચાયેલી આંખો શું નિહાળતી હશે ? એ, કે માંડલી ગામના આઠમી પાસ છોકરડાનું આવું બહુમાન. ખેતરમાં બાંધેલા માળા પર બેસી પડી રહેલા વરસાદમાં પક્ષી ઉડાડતા. લાંબી થતી જતી માનવીની ભવાઈને ટૂંકાવવાના પ્રયત્નમાં વધારે લાંબી થતી જતી નવલકથાની મૂંઝવણ અનુભવતા પન્નાલાલને એ જ નવલકથાએ કીર્તિના ઊંચા શિખર પર બેસાડી દીધા એ કે પછી, જીવલેણ વ્યાધિમાં સપડાયેલ પન્નાલાલને માંદગીના બિછાને ‘માનવીની ભવાઈ’ની પહેલી પ્રત સાંપડે છે એ, અથવા એ જ અરસામાં કવિ શ્રી સુંદરમનો પોંડિચેરીથી માતાજીનો આશીર્વાદ સાથેનો પત્ર મળે છે. શ્રી અરવિંદ અને માતાજીનાં લખાણોથી નવું પ્રેરક બળ પ્રાપ્ત થાય છે. નવેક મહિના પછી માંદગીમાંથી ઊઠેલા પન્નાલાલને માતાજીમાં અદમ્ય શ્રદ્ધા બેસે છે. માતાની હૂંફ ખોળતા બાળકને ફરી માતાની કરુણા સાંપડતાં જીવને લીધેલા વળાંકનું સંભારણું. એ જે હોય તે, હવે એમનું જીવન લેખનના ઉદ્દેશ્ય જેટલું જ સીમિત નથી રહ્યું, એની ક્ષિતિજો લંબાઈ ચૂકી છે. પૂર્ણ યોગ અને સાધનથી જ શબ્દ સર્જન પામી રહ્યો છે એવી દઢ માન્યતાને કારણે જ્યારે આંખો ખોલી ત્યારે એટલું જ વાક્ય બોલ્યા : ‘માતાજીની પરમ કૃપાનો આ પ્રસાદ છે.’ 1989ની સાલમાં ધરતીનો છોરુ, માટીમાં ઊછરેલો જીવ એનો પુરુષાર્થ આવતી પેઢી માટે મૂકી પંચભૂતમાં હંમેશ માટે ભળી ગયો.
કુટુંબને માટે તો એમનું જીવન જ આશીર્વાદ સમાન હતું. બાળકોને સ્વાભાવિક જીવન જીવવાની ટેવ પાડેલી. સામેનું માણસ જેવું હોય એવું સ્વીકારી લેવાની શીખ આપતા. ભણતર ઓછું હોય તો ચાલે પણ જીવનમાં ક્યાંય ઊણા ન ઊતરાય એની ચોકસાઈ રાખવાનું હંમેશાં કહેતા. પન્નાકાકાના સીધા-સાદા કુટુંબનો પાડોશ, આવો સાહિત્યનો માહોલ અને પન્નાકાકાની બે દીકરીઓ ઉષા, નંદા સાથે બાળપણનું સખ્ય પ્રાપ્ત થયું હોય અને કક્કો ન ઘૂંટાય તો જ નવાઈ.
No comments:
Post a Comment