Google Search

Sunday, December 11, 2011

દીકરી દાંપત્યનો દીવડો – દિનેશ પાંચાલ


ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું : ‘હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે પ્રેમ કરું છું. જાણો છો કેમ ? એ ચાર વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયેલું. હું એ દિવસે ખૂબ રડ્યો હતો. મને યાદ છે મારી દીકરીએ મારા આંસુ લૂછતાં કહ્યું હતું : ‘પપ્પા, તમે રડો નહીં….. તમે રડો છો તેથી મને પણ રડુ આવે છે !’ આજે પણ હું બીમાર હોઉં અને એ સાસરેથી મળવા આવે છે ત્યારે એને જોઈને હું મારા બધાં દુઃખો ભૂલી જાઉં છું. મને લાગે છે કે પત્ની ઘણીવાર આંસુનું કારણ બની રહે છે પણ દીકરી તો હંમેશા આંસુનું મારણ બની રહેતી હોય છે.
કદાચ એ જ કારણે તેની વિદાયવેળાએ મા કરતાં બાપને વધુ વેદના થાય છે. કેમ કે મા રડી શકે છે, પુરુષો આસાનીથી રડી શકતા નથી. દીકરી વીસ-બાવીસની થાય ત્યાં સુધીમાં બાપને તેના વાત્સલ્ય પ્રેમની આદત પડી જાય છે. દીકરી ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાદી બની જાય છે તો ક્યારેક મિત્ર બની રહે છે. સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે. અને દુઃખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય છે. જોતજોતામાં દીકરી મોટી થઈ જાય છે. અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે. જતી વેળા પિતાની છાતીએ વળગીને સજળનેત્રે એ કહે છે : ‘પપ્પા, હું જાઉં છું….. મારી ચિંતા કરશો નહીં…. તમારી દવા બરાબર લેજો….’ અને ત્યારે પોતાની આંખમાં ઉમટી આવતાં આંસુઓને તે રોકી શકતો નથી. કવિ કાલિદાસના ‘અભિજ્ઞાન શકુંતલ’માં શકુન્તલાને વિદાય કરતાં કણ્વ ઋષિ કહે છે : ‘સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુઃખ થતું હોય તો સંસારીઓને કેટલું થતું હશે ?’
એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું. મિત્રની દીકરીના લગ્ન હતાં. દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું હતું : ‘આજપર્યંત મેં કદી ભગવાનને પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે દરેક દીકરીના બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ-પ્રભુ, તું સંસારના સઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીનો પતિ બનવાનો છે. સંસારની બધી સ્ત્રીઓને તું ખૂબ પ્રેમાળ બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીની સાસુ કે નણંદ બનવાની છે. ભગવાન, તારે આખી દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે પણ મારી દીકરીને કોઈ વાતે દુઃખ પડવા દઈશ નહીં !’ એક પરિણિત સ્ત્રી પતિ અને પિતા નામના બે કિનારા વચ્ચે વહેતી નદી જેવી હોય છે. એ પતિને કહી શકતી નથી કે તમે મારી સાથે મારા પિયરમાં આવીને વસો, અને પિતાને કહી શકતી નથી કે તમે મારા સાસરામાં આવીને રહો. એથી દીકરી જ્યારે પોતાના પતિ સાથે પિયરમાં થોડા દિવસ રહેવા આવે છે ત્યારે એક છત તળે પિતા અને પતિના સાનિધ્યમાં તેને એવી તૃપ્તિ મળે છે માનો કોઈ શ્રદ્ધાળુને એકીસાથે રામ અને કૃષ્ણના દર્શન થયા હોય !
અમારા એક અન્ય મિત્રને એકની એક દીકરી છે. મિત્રે એને ખૂબ લાડકોડથી ઉછેરી હતી. દુર્ભાગ્યે એને પતિ સારો મળ્યો નથી. નાની નાની વાતમાં હાથ ઉપાડે છે. કોકવાર તો પિતાની હાજરીમાંય હાથ ઉપાડી બેસે છે. એકવાર એ દશ્ય નજરે જોયા પછી મિત્રને એવો આઘાત લાગ્યો કે એટેક આવી ગયો. એ દિવસે ડાયરીમાં એમણે લખ્યું જમાઈના હાથે બાપ પોતાની દીકરીને માર ખાતી જુએ છે ત્યારે ગાય પોતાના વાછરડાને કતલખાને વધેરાઈ જતાં જોતી હોય એવું દુઃખ થાય છે ! એમણે એ ઘટના બાદ દીકરીને ત્યાં જવાનું છોડી દીધું. એક દિવસ એમને ત્યાં એમનો ભાણેજ એની પત્ની જોડે આવ્યો. ભાણેજને પણ એક જ દીકરી હતી, જે તેને ખૂબ વ્હાલી હતી. બન્યું એવું કે ભાણેજને કંઈક વાંકુ પડતાં તેણે તેની પત્નીને એક તમાચો મારી દીધો. મિત્ર અસ્વસ્થ થઈ ગયા. તેમણે ભાણેજને પાસે બોલાવી કહ્યું : ‘ભાઈ, તું તારી દીકરીને પ્રેમ કરતો હોય તો તને તારી દીકરીના સોગંદ છે, તારી પત્ની પર કદી હાથ ઉપાડીશ નહીં. આખરે એ પણ કોકની દીકરી છે. એના મા બાપ, ભાઈ-બહેનનો ભર્યો ભાદર્યો પરિવાર છોડી એ તારા ભરોસે આ ઘરમાં આવી છે. એના ચહેરામાં તું તારી દીકરીનો ચહેરો જોજે તારો બધો ગુસ્સો ઓગળી જશે !’
હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્યમિત્રે એક વાત કહી : ‘અગર તમારા ઘરમાં દીકરી ના હોય તો પિતા-પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે કદી જાણી શકવાના નથી. તમે બસ એટલું કરજો, ગમે તેવાં મનદુઃખો જન્મે તોય પુત્રવધૂને તેના પિતા વિશે કટૂ વચનો કદી સંભળાવશો નહીં. દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે પણ પોતાના પિતા વિરુદ્ધ તે સાંભળી શકતી નથી. એક લગ્ન સમારંભમાં અમે મિત્રો વચ્ચે બેઠા હતા, ત્યાં એક પરિણીત યુવતીએ એક સ્વાનુભવ કહ્યો. એ યુવતીના પિતા મૃત્યુ પામ્યા હતા. પિયરમાં ભાઈ-ભાભી તરફથી ખાસ પ્રેમ મળતો નહોતો. એ યુવતીએ કહ્યું : ‘મેં ઘણે ઠેકાણે વાંચ્યું છે – માતા વિનાની દીકરી અને દીકરી વિનાનો બાપ કદી સુખી ના હોઈ શકે. આ સાચું હોય તો પણ મારા અનુભવ પરથી મને એવું લાગે છે કે બાપ વિનાની દીકરી પણ એટલી જ કમનસીબ ગણાય ! દીકરી વિનાનો બાપ લાખોપતિ હોય તોય વાત્સલ્યવંચિત હોય છે. પણ બાપ વિનાની દીકરી તો કરોડપતિ હોય તો પણ નિરાધાર જ ગણાય. કેમ કે સંસારમાં સૌનો પ્રેમ મળી શકે છે પણ બાપના પ્રેમની તોલે તો ભગવાનનો પ્રેમ પણ ના આવી શકે !’
સ્ત્રી જીવનનો પ્રાણવાયુ છે. સંસારનું ચાલક બળ છે. જીવનરથની એ એવી ધરી છે જેના પર દાંપત્ય જીવનની સફળતાનો મુખ્ય આધાર છે. સ્ત્રી-પુત્રી રૂપે, પત્ની રૂપે, મા કે બહેન રૂપે સંસારમાં છવાયેલી છે. સંસારમાંથી સ્ત્રીની બાદબાકી એટલે બાસુંદીમાંથી ખાંડની બાદબાકી…..! દીકરી વિશે એકવાર એક કાલ્પનિક સંવાદ વાંચવા મળ્યો હતો. લગ્નના ફંકશનમાં રસોડાના પાછળના ભાગે એક કંકોત્રી પડી હતી, અને બાજુમાં એંઠી બાજ પડી હતી. તે બંને વાતો કરતાં હતાં. પતરાળ (અર્થાત બાજે) કંકોત્રીને કહ્યું : ‘તું ગમે તેટલી સુંદર હશે તોય લગ્ન બાદ તારી કોઈ જ કિંમત રહેતી નથી !’ કંકોત્રીએ વળતો જવાબ આપ્યો : ‘તો તારી હાલત પણ મારાથી જુદી ક્યાં છે ? તેં લોકોને છત્રીસ પકવાન જમાડ્યા હશે પણ જમણ પત્યા બાદ તુંય એંઠવાડ ભેગી ઉકરડે જઈ પડે છે.’ મિત્રે બંનેને કહ્યું : ‘તમે શીદ લડો છો ? મારી હાલત પણ તમારા જેવી થઈ છે. હું આ દેશનો મતદાર છું. લગ્ન પત્યા બાદ કંકોત્રીની, જમણવાર પત્યા બાદ પતરાળની અને ચૂંટણી પત્યા બાદ મતદારની કોઈ કિંમત રહેતી નથી. ભાગ્યશાળી તો પેલી પરણી રહેલી દીકરી છે જે પિયરમાં પણ પૂજાય છે અને પતિગૃહે પણ ગૃહલક્ષ્મી બની જીવે છે !’
દીકરી વહાલનો દરિયો નહીં માબાપ અને સાસરિયાઓ બંને માટે જીવવાનો જરિયો બની રહે છે. ખાંડ વિના કંસાર એટલો મોળો નથી લાગતો જેટલો દીકરી વિના સંસાર મોળો લાગે છે.

No comments:

" Motivational Video "

All Posts on this blog are the property of their respective authors. All information has been reproduced here for educational and informational purposes.