Google Search

Sunday, December 11, 2011

જાંબાઝ પત્રકાર-કમનસીબ ગુરુ – અશ્વિન ઝિંઝુવાડિયા


ગ્રીસનો મહાન ફિલૉસોફર ડાયોજીનસ પોતાની સ્વતંત્ર મસ્તીમાં મસ્ત રહેનારો માણસ હતો. ચાપલૂસી કરીને રાજાનું માનપાન અને શ્રીમંતાઈને વરેલો એનો એક મિત્ર વહેલી સવારે ડાયોજીનસને મળવા નીકળી પડ્યો. ઘોડા ઉપર સવાર મિત્ર જ્યારે ડાયોજીનસના ઘરે પહોંચ્યો ત્યારે ડાયોજીનસ સૂકું અનાજ ખાંડી રહ્યો હતો. ડાયોજીનસની દરિદ્ર હાલત જોતાં તેના મિત્રે કહ્યું કે માણસમાં જો થોડી પણ ખુશામત કરવાની આવડત હોય તો આમ સૂકું અનાજ ફાકવાનો સમય ન આવે. પોતાની ધૂનમાં પ્રવૃત્ત ડાયોજીનસે માર્મિક જવાબ આપ્યો : ‘સૂકું અનાજ ખાઈને પણ જો જીવી શકાતું હોય તો ખુશામતની કોઈ જરૂરિયાત રહેતી નથી.’
શિવકુમાર આચાર્ય- શિવ આચાર્ય કે શિવભાઈ-શિવકાકા એ, ‘સમગ્ર વિશ્વને વંદન કરીશ પણ સલામ તો ચમરબંધને પણ નહીં કરું’ના સિદ્ધાંતમાં માનનારા અને પરિણામે સૂકું અનાજ ખાનાર વ્યક્તિઓ પૈકીના એક હતા. સ્વભાવની સંખ્યાબંધ મર્યાદા વચ્ચે આ માણસ કલમની તાકાત પર જીવતો રહ્યો. હડધૂત થયા, અહીંથી ત્યાં ફંગોળાયા, અપમાનિત થયા, એકલા પડી ગયા પણ વ્યવહારુ ક્યારેય ન બન્યા. ‘શિવભાઈ થોડા પ્રેક્ટિકલ બનો….’ આ સલાહ તેની અંદર બેઠેલા પત્રકારને લાફો મારતી હતી, અને વધુ ઝનૂનથી નકારાત્મક બનાવતી હતી.
‘કચ્છમિત્ર’ના તંત્રી તરીકે આરૂઢ થયા બાદ ‘કચ્છમિત્ર’ વિષેની લોકોની માન્યતાને ફેરવી નાખી. અસલ તળપદી શબ્દો, ગામઠી વાક્યરચના અને તેમ છતાં સંપૂર્ણ આધ્યાત્મિક દષ્ટિકોણવાળા તેમના ‘મંગળવારનું મનન’ નામના તંત્રીલેખો આજેય યાદ આવે છે. પણ પછી ‘કચ્છમિત્ર’ માંથી પડતા મૂકવામાં આવ્યા. કારણો સંખ્યાબંધ હતાં. ‘શિવભાઈને કાઢો…’ના અપમાનજનક શબ્દો સાંભળ્યા છે. કચ્છમિત્રના ફેલાવામાં નોંધપાત્ર વધારો કર્યા બાદ, લોકચાહના મેળવ્યા બાદ કલમના કસબીએ કચ્છમિત્રને કાયમના માટે છોડી દીધું. ‘કચ્છભારતી’ શરૂ કર્યું. ‘આખાબોલું અઠવાડિક-કચ્છ ભારતી’નાં મોટાં હોર્ડિંગ તાલુકા મથકે લગાડવાનાં હતાં. વતન-ગંજીનાં જૂનાં બોર્ડ લઈને શિવભાઈ મુંદરા આવ્યા. ‘આને રંગી દે તો છાપું થોડું ફેલાય-વંચાય….’ પતરા ઉપર અસ્તર મારી મારા ઘેર બેઠા હતા ત્યારે પૂછ્યું, ‘આ પાટિયામાં લખવાનું શું છે ?’ – પણ તે દરમ્યાન વાતચીતમાં જાણી લીધું કે ‘કચ્છભારતી’ ખાસ ચાલતું નથી. પ્રચારની જરૂર છે, નૅટવર્કની જરૂર છે, જાહેરાતની જરૂર છે…..’ રાત્રે બે વાગ્યે બોર્ડ તૈયાર થઈ ગયું. નાના અક્ષરે લખ્યું…. આખાબોલું અઠવાડિક અને મોટા લાલ રંગથી લખ્યું ‘કચ્છભારતી’.
‘હવે નીચેના પટ્ટામાં લખ માલિક-તંત્રી-મુદ્રક-પ્રકાશક : શિવકુમાર આચાર્ય’
મને ટીખળ સૂઝી : ‘માલિક-તંત્રી-મુદ્રક-પ્રકાશકની બાજુમાં ‘વાચક’ પણ લખવું જોઈએ…. બધું તમે જ છો.’ તે સમયનું શિવભાઈનું અટ્ટહાસ્ય આજે રડાવી જાય છે.
મેલો-મેલો ઝભ્ભો, દાઢી વધેલી હોય, ચંપલનાં ઠેકાણાં ન હોય. ગમે ત્યારે આવી ચડે, ને ગમે તેટલા દિવસ રહે. શિવભાઈની કંગાળ હાલતને બહુ નજીકથી જોઈ છે. એલ્યુમિનિયમની ખમણીમાં બટેટાના પતીકા મારે પાડવાના અને તેને લોટમાં ઝબોળીને તાવડામાં શિવભાઈએ નાખવાના…. આ અમારો ક્રમ. કચ્છભારતીના રૂપિયા આવે એ તો છપામણી ને અન્ય ખર્ચમાં વપરાઈ જાય. વચ્ચે-વચ્ચે રાજકોટ જાય… પણ ગાડું ગબડ્યું નહીં. આર્થિક ઉપાર્જન માટે સંખ્યાબંધ સારી ઑફરો આવી પણ તે ન સ્વીકારી તે ન જ સ્વીકારી ! કચ્છ ભારતી બંધ થયું. પાશવી ગરીબાઈમાં પણ હસતા મુખે દિવસો પસાર કરતા શિવભાઈને કચ્છમાં ટકવું લગભગ અશક્ય બન્યું. તેમણે કચ્છ છોડ્યું. ફોન ઉપર કહ્યું : ‘પાછો આવવા જાઉં છું….’ પરિવારજનોની ફરિયાદ કરતાં રહેતાં : ‘માનતાં જ નથી….’ પણ વાસ્તવિકતા એ હતી કે શિવભાઈએ કોઈનું કહ્યું માન્યું જ ન હતું. ‘હું સાચો છું’ની ખોટી માન્યતા, અને વિદ્રોહી સ્વભાવના કારણે તેઓ વાસ્તવિક જગત સાથે કદમતાલ ન મિલાવી શક્યા. છાપાનો જીવ લાંબા સમય બાદ પુનઃ ‘આજકાલ’માં જોડાયો. ખૂબ લખ્યું…. ખૂબ વંચાયું….. પણ એનો એ જ અસંતોષ. ઊગેલી ડાળીને જ કાપવાની મનોવૃત્તિ. પોતાનું ધાર્યું કરવાની અયોગ્ય હઠ ! આ હઠે એમને અનેક વખત પછાડ્યા હતા. પરિવારજનોએ પછાડ્યા, છાપાવાળાએ પછાડ્યા, રાજકીય આગેવાનોએ પછાડ્યા… અને આવી લગાતાર પછડાટોએ તેમને પીંખી નાખ્યા હતા.
ઉમેદભવનના ઓટલા ઉપર મેલાં-ઘેલાં કપડાં સાથે સૂતેલા જોયા છે. જગાડીને ઠેકાણે સુવડાવ્યા છે ને ફરીથી લઘરવઘર રસ્તે રઝળતા જોયા છે. એમની આ હાલત માટે મહદ અંશે તેઓ જ જવાબદાર હતા. પણ તેમ છતાં તેમનાં પરિવારજનો પણ ઓછાં દોષિત નથી જ. અનુકૂલન ન સધાયું તે ન જ સધાયું. શિવભાઈની માત્ર અને માત્ર જીદે અનેક ચક્રો ખોળંભાતાં, કર્કશ અવાજ સાથે સખળડખળ ચાલતાં રહ્યાં. હાડોહાડ ભરેલું હિંદુત્વ, ગામઠી શબ્દોનો ભંડાર અને વાતને વળ દઈને રજૂ કરવાની કાબેલિયત ધરાવતા શિવભાઈ એક કમનસીબ ગુરુ હતા. મને કચ્છમિત્રમાં લઈ આવનાર શિવભાઈ હતા. તેમણે તો સંખ્યાબંધને પલોટ્યા. પણ ક્યારેય ક્ષુલ્લક ચીજની પણ માગણી કરી ન હતી. ગરીબાઈ ડોકિયું કરતી હોય તો પણ મળે ત્યારે કહે : ‘એઈ…. મોજ છે મોજ…..’ સંખ્યાબંધ જખમો ખાઈ ચૂકેલા શિવભાઈની અંગત જિંદગીને ખોતરવાનો પ્રયત્ન કરો તો છંછેડાઈ જાય. વાત બદલાવે અથવા ‘ભલે તો હું જાઉં…’ કહી થેલો ઉપાડી રવાના થાય !
પ્રસંગ કે ઘટનાનું તેમનું મૂલ્યાંકન સ્વતંત્ર અને આગવું હોય. સમૂહથી ભિન્ન મત અને એ ભિન્ન મતને વળગી રહેવાના ઝનૂની પ્રયાસો. પત્રકાર તરીકેની લક્ષ્મણરેખા વારંવાર ઓળંગી. વ્યક્તિત્વને કોઈ એક દિશા કે રસ્તા ઉપર આયોજનબદ્ધ રીતે ઘડવામાં નિષ્ફળ રહ્યા. આપણી દષ્ટિએ એ ‘નિષ્ફળ’ પણ પોતાની ખુમારીમાં, વટમાં કે પછી કહો કે મગરૂરીમાં મસ્ત રહેનારા શિવ આચાર્યના જીવનને બે-ચાર ફકરામાં પ્રસ્તુત ન કરી શકાય. તેઓ શા માટે અપ્રિય રહ્યા, એનો જવાબ જ અન્ય માટે માર્ગદર્શક બની રહ્યો છે. ‘જો આપણે સાચા હોઈએ તો કોઈની સાડીબાર ન રાખવી….’ એ વાત હું શિવ આચાર્ય પાસેથી શીખ્યો છું. શિવકુમારના જવાથી પત્રકારત્વજગત કંગાળ બની ગયું એમ લખવું ઉચિત નથી. આ ભાટાઈ કહેવાય. પણ તેમના જવાથી ખુમારીભર્યા પત્રકારત્વજગતનો એક સિતારો ખરી પડ્યો એમ કહેવું ઉચિત ગણાશે. ‘સમકાલીન’ (મુંબઈ)ના સ્વ. તંત્રી શ્રી હસમુખ ગાંધીએ તેમના લેખમાં લખેલું કે કાગડો કાગડાનું માંસ ખાતો નથી. આ વાક્ય પત્રકારજગતને લાગુ પડતું નથી. ગમા-અણગમા, રાગ-દ્વેષ અને મારા-તારાની તેજોદ્વેષભાવના સંભવતઃ પત્રકારજગતમાં વિશેષ જોવા મળે છે. આ મુદ્દે શિવભાઈની હૈયાવરાળ અનેક વાર સાંભળી છે.
અને છેલ્લે એક પ્રસંગ શિવભાઈના સ્મરણ સાથે…. રાત્રીના નવ વાગ્યાનો સમય… શિવભાઈ ‘ફૂલછાબ’ (રાજકોટ)ની ડેસ્ક ઉપર નીચું ઘાલીને કંઈક લખતા હતા. ફૂલછાબની ઑફિસમાં હું દાખલ થયો ત્યારે શિવભાઈએ મને જોયો નહીં. હું ચૂપચાપ તેમની સામે ઊભો રહ્યો ને આગંતુક વ્યક્તિની અદાથી બોલ્યો, ‘સાહેબ મારે મૃત્યુ નોંધ આપવી છે.’ આ એક જ વાક્ય સાંભળતાં જેમનું તેમ નીચું માથું રાખી તેમણે જવાબ આપ્યો, ‘ફૂલછાબ મુંદરામાં આવે છે ?’ માત્ર અવાજ ઉપરથી ઓળખી જનારા શિવભાઈની સ્મરણશક્તિને સલામ કરીને સામેની ખુરશી ઉપર બેઠો ત્યારે પણ સામો ચહેરો જોયા વગર જ પૂછ્યું : ‘ક્યારે આવ્યો ?’
સંઘ પરિવારની વાત હોય કે સરહદી જિલ્લાની સમસ્યાની, રાજકીય ખટપટ હોય કે પીવાના પાણીની, અનિયમિત બસ, વીજળીના ધાંધિયા કે રસ્તાના કામમાં ભ્રષ્ટાચારની વાત હોય; અદના માનવીના પક્ષે, લાઈનમાં ઊભેલા છેલ્લા માણસ પ્રત્યે, વિકાસની પ્રક્રિયામાં હાંસિયામાં મુકાઈ ગયેલો કચડાયેલો વર્ગ કે પછી જેમણે અન્યાય સામે ફરિયાદ કરવાનું છોડી દીધું છે એવા ઉપેક્ષિત વર્ગની તરફદારી – વગર પૈસાની વકીલાત કે પછી તેનું ઉપરાણું લેનાર જો કોઈ હોય, તો તે શિવકુમાર હતા. તેમની માનસિકતા હંમેશા નાના માણસ સાથે રહેતી. આપણે શિવભાઈને સમજી ન શક્યા કે તેઓ આપણને સમજી ન શક્યા એ તો કોયડો જ રહેશે. પણ કંઈક એવું – અન્યથી અલગ- હટ કે – જુદું વ્યક્તિત્વ શિવકુમારનું હતું જ. નોખી માટીના- માથાના ફરેલા અને ખુમારી ભરેલા શિવ આચાર્ય વિષે લખવાનું કામ હાથીને સ્પર્શીને અભિપ્રાય આપતા પેલા આંધળાઓની દષ્ટાંતકથા જેવું છે. અંતમાં એટલી જ પ્રાર્થના કે હે જગતપિતા, તું એમના આત્માને પરમતેજમાં ભેળવી દેજે. ઓમ શાંતિ.

No comments:

" Motivational Video "

All Posts on this blog are the property of their respective authors. All information has been reproduced here for educational and informational purposes.