Google Search

Sunday, December 11, 2011

મારા વાચનની વાત – ચંદ્રકાન્ત શેઠ


મારું વાચન શરૂ થયું, કક્કો-બારાખડી આવડ્યાં ત્યારથી. બાળપણમાં રમવા-રખડવા મળે તો વાંચવાની કડાકૂટ કોણ પસંદ કરે ? મનેય મારી મા જ્યારે વાંચવાનું કહેતી ત્યારે કીડીઓ ચડતી. મારા પિતાશ્રી કડક ને કર્મઠ. બ્રિટિશ સરકારના વફાદાર સેવક. સવારે જમીને કચેરીએ જાય તે સાંજે આવે. હું વાંચતો ન હોઉં તો મારો હવાલો મા પિતાશ્રીને સોંપતી. નિશાળ સવારની હોય ત્યારે બપોરનો ફુરસદનો સમય મને મળતો. એ સમયમાં લહેરપાણી ને ધુબાકા કરવાનાં સોનેરી સ્વપ્નો હું જોતો. ત્યારે જ પિતાશ્રીના શ્રીમુખમાંથી કઠોર ફરમાન છૂટતું : ‘બપોરે હું પટાવાળાને મોકલીશ, તું ચોપડી લઈને કચેરીએ આવજે.’ મને એ સાંભળતાં થતું : માર્યા ઠાર. હવે મારે કચેરીએ જવું પડવાનું. મારાં સોનેરી સ્વપ્નોનો કચ્ચરઘાણ નીકળતો ત્યારે હું જોઈ રહેતો. હું માને મારાથી થાય એટલી ઉત્કટતાથી અરજ-આજીજી કરતો; પણ મા ટસની મસ ન થતી. એ તો પિતાશ્રીનો જ પક્ષ લેતી. કહેતી : ‘હું કંઈ ન જાણું. તારે તારા બાપા કહે એમ જ કરવાનું. હું વચ્ચે નહીં પડું.’ અને પછી જમદૂત જેવા પટાવાળાનાં દર્શન થતાં. હું પરાણે તૈયાર થઈ, કતલખાને જતા કોઈ લવારાની જેમ પેલા પટાવાળાની પાછળ પાછળ કમને ડગલાં માંડતો.
કચેરીએ પહોંચું ત્યારે પિતાશ્રી ગાદીતકિયે બેસી હિસાબકિતાબ કરતા નજરે ચઢતા. નાક પર નમી પડેલાં ચશ્માંની ઉપરની ચમકદાર નજરે મને જોઈને – માપીને એ કહેતા : ‘આયો; બેસ ત્યાં મારી સામે ખૂણામાં ને મોટેથી વાંચવા માંડ પાઠ !’ ને એમ મારું પછી વાંચવાનું આરંભાતું : ‘બને કાનો બા, બને કાનો બા, અલ્પવિરામ, દને દીર્ઘૌ (દીર્ઘ ઊ) દૂ, ધને કંઈ નહીં ધ, પને દીર્ધૈ (દીર્ઘ ઈ) પી, પૂર્ણવિરામ – બાબા, દૂધ પી.’ આ રીતે આખો પાઠ મારે વાંચવાનો થતો. એમ કરતાં મને વારંવાર તરસ લાગતી, એકી લાગતી ને ત્યારે મારે ઊઠવાનું થતું. વળી, અવારનવાર મારી નજર ઊડણ ચરકલડીની જેમ બારી બહાર ધસી જતી. ક્યારેક વાંચતાં વાંચતાં ઝોલું પણ આવી જતું કે તુરત પિતાશ્રીનો કઠોર-કર્કશ અવાજ કાનના પડદે અથડાતો : ‘કેમ બચુડા, અટકી ગયો ? પાઠ પૂરો કર. એ પછી જ ઘરે જવાશે.’ શાહમૃગ રેતીમાં મોઢું ખોસે, એમ મારે ચોપડીમાં માથું ખોસવું પડતું.
આવી કરુણ હાલતમાં પહેલીમાંના પાઠ પહેલા મારા ચાલ્યા – કહો કે, દોડ્યા. દરમિયાન ઘરે મા વ્રત-નિયમની ચોપડી મોટેથી વાંચે તો એ રસથી હું સાંભળતો. વળી, કોઈ વાર માને વાત કહેવાની જીદ પણ કરું. એની પાસે બે-પાંચ વ્રતકથાઓની સાવ ટૂંકી મૂડી. એમાંથી એકાદ મને સંભળાવે. બાકી, ઘરમાં રોજેરોજ કથાકીર્તન ચાલે, ભાગવત વંચાય, દયારામભાઈ વગેરેનાં પદો ગવાય. એ બધું સાંભળી સાંભળી અમેય અમારી ઘરઘરની રમતોમાં ભાગવતની કથા, કીર્તન વગેરેનો સમાવેશ કરતા અને ત્યારે અમારા સન્માન્ય શ્રદ્ધાળુ શ્રોતાગણમાં ગૌરીથી માંડીને અનેક બાલભેરુઓ ભળતા. જેમ જેમ ભણવાનું આગળ ચાલ્યું તેમ તેમ વાંચવાનુંયે વધતું ચાલ્યું. ‘બાલમિત્ર’, ‘ગાંડીવ’, ‘બાલજીવન’, ‘રમકડું’ જેવાં બાળસામાયિકો રસપૂર્વક હું વાંચતો. ક્યારેક ક્યારેક ‘કુમાર’ જેવાં સામાયિકો પણ હાથે-આંખે ચડતાં; પણ એમાં મને કેટલું સમજાતું એ સવાલ ત્યારે રહેતો !
સદભાગ્યે, ત્રણેક હજારની વસ્તીવાળા મારા એ કણજરી (તા. હાલોલ) ગામમાં ગ્રંથાલય હતું. એનો હું રોજનો મુલાકાતી. એ ગ્રંથાલયમાં બાળકો માટેની ચોપડીઓ પણ હતી. મેં એ બધી જ વાંચી લીધેલી. વળી કેટલીક વાર એ ગ્રંથાલયમાં મેં ‘બહુરૂપી’ વગેરેની ફાઈલો પણ જોયાનું અને એમાંની ડિટેક્ટિવ વાર્તાઓ વાંચ્યાનું ઝાંખુપાંખું સ્મરણ છે. મને તે સમયે ‘સાહિત્ય’ અંગેની બહુ ગતાગમ નહોતી. મને તો જે કંઈ વાંચવામાં આવતું તે બધું વાદળી કે બ્લૉટિંગ પેપરની જેમ ચૂસી લેતો. કાર્ટૂનોની ચિત્રપટ્ટીઓ જોવાનું પણ હું ચૂકતો નહીં. વળી હું જે જે વાંચતો તેની અસર મારા ચિત્ત પર થતી જોતો. નાની નાની કેટલીય ચરિત્રપુસ્તિકાઓ મેં વાંચેલી. થૉમસ આલ્વા એડિસન વિશેની પુસ્તિકા વાંચતાં મેં વિજ્ઞાનીની જેમ ઘરમાં ગાંડાઘેલા પ્રયોગો કરવાનું શરૂ કરેલું ને એક વાર પિતાશ્રીનો તમાચો પણ ખાધેલો. વળી, સુભાષચંદ્ર બોઝ વિશેની પુસ્તિકા વાંચતાં મેં મારા વાડામાં એનો વેશ કાઢેલો ને શંકરાચાર્ય વિશેની પુસ્તિકા વાંચતાં સરસ્વતીચંદ્રની જેમ ગૃહત્યાગ કરી ગામમાંના ગોધરિયા કૂવા સુધી પહોંચેલો, પણ પછી મેં જ મને સમજાવીને માનભેર પાછો વાળેલો ! છત્રપતિ શિવાજી વિશેની પુસ્તિકા વાંચતાં એક જણના કોઢિયામાં લોઢાની પાટીઓની તલવારોથી ધિંગાણું ખેલ્યાનું પણ સ્મરણ છે.
શરીરે હું માઈકાંગલો; સાવ સોટી જેવો. રમતમાં આપણો સિક્કો જરાયે ચાલે નહીં. ક્રિકેટમાં પહેલા બૉલે જ આઉટ થનારો. અનેક રમતોમાં મને જીવદયાથી રમાડે. એથી મારો અહમ ઘવાતો, પણ ઉપાય નહોતો. મેં એથી રમતવીર થવા કરતાં વાચનવીર થવામાં સાર જોયો. આપણો સિક્કો ઊછળતો હતો અભ્યાસમાં. મોટા ભાગે પ્રથમ નંબર જ સાચવતો પરીક્ષામાં. કેટલાય ભારાડી છોકરા પરીક્ષા-ટાણે બકરી-બેં થઈને મારી પાસે આવતા અને હું ત્યારે તેમનો મોટા ઉપાડે ગાઈડ થઈને રહેતો, મારી નોટોમાંથી ઉતારવા જેવું તેમને ઉદારતાથી ઉતારવા દેતો. ત્યારે આપણો વટ્ટ રહેતો ! મૂળમાંયે મારામાં અહમનો કાંટો ખરો જ, ભલે આમ ડાહી ડાહી વાતો ડહોળતો હોઉં. વાંચવા-લખવાની ધીમે ધીમે મને ટેવ પડતી ગઈ અને તેથી મને અધ્યયન તથા અધ્યાપનમાં ઘણો લાભ થતો જણાયો. વિચારશક્તિ ને સમજશક્તિને કેળવવા તેમ જ ખીલવવામાં વાચનલેખન ઘણું મદદરૂપ થતું હોવાનું મને લાગે છે.
મારું વાચન આડેધડ હતું. વાંચવા જેવું જે કંઈ હાથ ચડે તેમાં અચૂક નજર ફેરવી લઉં. કેવળ કવિતા-સાહિત્ય જ નહીં, વિજ્ઞાન અને અધ્યાત્મની-ભૂગોળ, ખગોળથી માંડીને જ્યોતિષ, વૈદક આદિની વાતોમાંયે મને રસ પડતો હોય છે. મેં કેટલુંક ડિટેક્ટિવ સાહિત્ય પણ વાંચેલું. ‘વીર દુર્ગાદાસ’ નામનો કથાગ્રંથ મેં ત્રણ-ચાર વાર વાંચેલો. એ રીતે ‘આગળ ધસો’ નામનું પુસ્તક મેં વાંચેલું અને તે ઘણું પ્રેરક ને ચારિત્ર્ય ઘડે એવું લાગેલું. પછી એસ.એસ.સી. સુધીમાં કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ, રમણલાલ વ. દેસાઈ, ઝવેરચંદ મેઘાણી વગેરેનું ઘણું કથાસાહિત્ય વાંચેલું. ગાંધીજી ને રવીન્દ્રનાથનાં લખાણોયે આંખ તળેથી પસાર થયેલાં. ‘ગીતાંજલિ’ની રીતે કાવ્યો લખવાની ચેષ્ટા પણ કરેલી. એસ.એસ.સી.માં પહોંચતાં સુધીમાં ‘મેઘદૂત’ની રીતે કેટલાંય પાનાં મન્દાક્રાન્તાની કડીઓથી ભરી દીધેલાં. મારું કંઈક ઠીક કહેવાય એવું કાવ્ય ‘એવા બાપુ અમર રહો’ – એ 1948ના અરસામાં રચ્યાનું મને યાદ છે.
સંસ્કૃતનું વાચન તો એસ.એસ.સી. સુધીમાં શરૂ થઈ ગયેલું, પરંતુ અંગ્રેજીનું વાચન કૉલેજકાળમાં આરંભાયું. બને ત્યાં સુધી પ્રશિષ્ટ ગ્રંથો વાંચવા તરફનું મારું વલણ. જે વિષયનું અધ્યયન-અધ્યાપન મારું ચાલતું હોય તેને લગતું સંદર્ભસાહિત્ય શક્ય તેટલું વાંચી લેવું જોઈએ એવો મારો આગ્રહ. પરિણામે વાચનની સાથે સાથે માત્ર જ્ઞાન-સમૃદ્ધ જ નહીં જીવનસમૃદ્ધ પણ થવાય છે.
આમ તો 1950ના અરસામાં મારે અમદાવાદ આવવાનું થયું. ત્યારે મારી કાંકરિયા વિસ્તારમાં આવેલી પ્રોપ્રાયટરી સ્કૂલમાં જોડાયો અને ત્યાંના ગ્રંથાલયનો લાભ મેળવ્યો. એ પછી 1954-1958 દરમિયાન ગુજરાત કૉલેજના સમૃદ્ધ ગ્રંથાલયનો અને તે સાથે એમ.જે.લાઈબ્રેરીનો પણ લેવાય તેટલો લાભ લીધો. મારો વાચનયોગ બી.એ. તથા એમ.એ. દરમિયાન ઠીક ચાલ્યો. સાહિત્યરસિક મિત્રોના કારણે, ‘કુમાર’ની બુધસભા જેવાં કાવ્યવર્તુળોના કારણે; કાવ્યસાહિત્યના પ્રેરણાતીર્થ સમા ભાષા-સાહિત્યના પ્રકાંડ પંડિતો તથા ગુરુજનોના કારણે તેમ જ અધ્યાપનના વ્યવસાયના કારણે, ‘વિદ્યાવાચસ્પતિ’ની ઉપાધિ મેળવવાના પ્રયાસના કારણે મારી વાચનપ્રવૃત્તિને ઘણું પોષણ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું. જેમ સત્કર્મથી તેમ સદવાચન ને સદવિચારથી ચિત્તવિકાસ થાય છે એમ મને અનુભવે લાગ્યું છે. અધ્યયન-અધ્યાપન નિમિત્તે, સંશોધન-સંપાદન-અનુવાદ નિમિત્તે મારાથી જે કંઈ વંચાયું તેને હું ‘સ્વાધ્યાયતપ’ સમજું છું. જે વિષયનું આપણે વાંચીએ તે વિષયનું જ્ઞાન તો આપણું વધે જ; સાથે એ વિષય સાથે સંલગ્ન જીવનનાં અનેક પાસાંને સમજવાની ચાવીઓ પણ આપણને મળતી હોય છે.
જ્યારે કોઈ પુસ્તક હું વાંચું છું ત્યારે એ પુસ્તકના લેખક સાથે, એના મનોવિશ્વ સાથે, એના જીવન-સંદર્ભ સાથે હું સીધા સંબંધમાં મુકાઉં છું. તેથી કોઈ પણ સારા પુસ્તકનું વાચન મારે મન સત્સંગ-રૂપ બની રહે છે. સેમ્યુઅલ બૅકેટનું ‘વેઈટિંગ ફૉર ગોદો’ વાંચતાં જુદા જ દેશકાળમાં થઈ ગયેલા અને કોઈ અલગ જ વિચારધારા ને સંવેદના સાથે કામ પાડતી એક સર્જક-પ્રતિભાનો, પરોક્ષ રહેલા મને જે રીતે સાક્ષાત્કાર થાય છે તેને હું વાચનના ચમત્કારરૂપે જોઉં છું. જાતભાતના સદવાચને મારા વ્યક્તિત્વનો – મારા સંવિતનો સીમાવિસ્તાર સધાય છે, મારો ચેતોવિસ્તાર થતો વરતાય છે. પુસ્તકો આપણા વફાદાર સન્મિત્રો હોવાની સૂક્તિનું વજૂદ મને પ્રતીત થયું છે. વાચને મારા મનોમય કોશના, મારા વિજ્ઞાનમય અને આનંદમય કોશના સમૃદ્ધિવિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. મારાથી આજ દિન સુધી જે કંઈ વંચાયું છે તેનાથી અનેકગણું વાંચવાનું બાકી છે. જિંદગીભર વાંચતાંયે ન ખૂટે એવો વાચનનો અક્ષય ખજાનો છે. એ બધા વાચનનો પાર પામવામાં તો 84 લાખ અવતાર પણ કદાચ ઓછા પડે !
આ પુસ્તકો કંઈ કાગળ-કલમની વસ નથી. માનવજીવનના ગહન અને વ્યાપક દર્શન-મનન-ચિંતન ને સર્જનનાં એ રસાત્મક સ્વાદિષ્ટ ફળો છે. જેઓ જીવી ગયા છે ને જેઓ જીવી રહ્યા છે એવા લેખકો-સર્જકોની સંવિત્તિના એ અક્ષર આલેખો કે નકશાઓ છે. એ સર્વનો મર્મરસ મધુમક્ષિકાની રીતે ગ્રહણ કરતાં કરતાં જ આપણી ભીતર એક સરસ મધુપુટ રચાતો હોય છે. આજની મારી ઉત્તરાવસ્થામાં કલાપીની જેમ મને આટલું જ કહેવાનું ગમે છે : ‘જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.’ (‘સુખમય સ્વપ્ન’) પુસ્તકો આપણા અંતરના ઉંબર પર આખા વિશ્વને હાજર કરી દે છે. દેશકાળની મર્યાદાઓને ઓળંગાવી આપણા મૂળભૂત સત્ય-તત્વની મુખોમુખ આપણને ઉપસ્થિત કરી દે છે. વાચનનો રસ માણવા ને મણાવવા જેવો હોય છે. વાચનની કથાનો જાદુ સૌને જણાવવા જેવો પણ હોય છે.
નિવૃત્તિ પછીના હવેના સમયગાળામાં તક મળ્યે મનમાન્યું વાંચવું-લખવું, સારું સંગીત સાંભળવું અને ટીવી પરના નરવા ને ગરવા કાર્યક્રમો જોવા એ જ મારું કામ રહ્યું છે. હીંચકે ઝૂલતાં, પલંગમાં આડા પડતાં, બેસતાં-ઊઠતાં મનપસંદ પુસ્તકોની દુનિયામાં મોજથી તરતા રહેવાનું મને ગમે છે. વાચન, મને સવારે બગીચામાં તાજગીભરી હવાના ઘૂંટ પીતાં પીતાં લીલોતરીમાં ચાલવા જેવું મીઠું લાગે છે. રસપ્રદ અનુભવોની-ભાવ, વિચાર, કલ્પના, ભાવનાઓની લહાણ કરતી સંસ્કારશુદ્ધ વાચનસામગ્રીનું આસ્વાદસુખ સંપડાવતા સૌ લેખકો-સર્જકો પ્રત્યે ઊંડો કૃતજ્ઞતાભાવ પ્રગટ કરીને હવે અહીં પૂર્ણવિરામ મૂકું.

No comments:

" Motivational Video "

All Posts on this blog are the property of their respective authors. All information has been reproduced here for educational and informational purposes.