Google Search

Sunday, December 11, 2011

સ્વર્ગ અને નર્ક – ડૉ. આઈ. કે. વીજળીવાળા


એક દાદા અને એમનો વફાદાર કૂતરો એક સાંજે ફરવા નીકળ્યા હતા. અચાનક જ ટ્રક કે કોઈ એવા જ વાહન સાથે અકસ્માત થયો અને બંને મૃત્યુ પામ્યા. આ બધું ઝાંખુંઝાંખું યાદ હોવા છતાં દાદાને લાગ્યું કે પોતે અને કૂતરો હજુ ચાલ્યા જ જાય છે. ચાલતા ચાલતા બંને એક વિશાળ દરવાજા પાસે પહોંચ્યા. એ દરવાજો પૂરેપૂરો સોનાથી મઢેલો હતો. એના પર ઠેકઠેકાણે હીરાઝવેરાત લગાવેલાં હતાં. દરવાજો બંધ હતો, પરંતુ બાજુની એક નાનકડી બારી ખુલ્લી હતી. એમાં એક માણસ બેઠોબેઠો પોતાનું કામ કરી રહ્યો હતો.
દાદાએ એ માણસને પૂછ્યું : ‘ભાઈ, અમે ક્યાં આવી ચડ્યા છીએ એ કહેશો ? તમે આ જગ્યાને શું કહો છો ?’
પેલા માણસે બારીમાંથી ડોકું કાઢીને કહ્યું : ‘આ સ્વર્ગ છે. તમે બંને અત્યારે સ્વર્ગના દરવાજા પાસે જ ઊભા છો !’
‘એમ ? અદ્દભુત ! મને આ દરવાજો જોઈને ખૂબ આનંદ થાય છે !’ દાદાએ આશ્ચર્યથી એ વિશાળ દરવાજા સામે જોયું. પછી પેલા માણસ સામે ફરીને કહ્યું : ‘ભાઈ, અમને તરસ લાગી છે. તમારી પાસેથી પાણી મળી શકશે ખરું ?’
‘અરે મારા સાહેબ ! કેમ નહીં ! ચોક્કસ મળશે !’ પેલા માણસે કહ્યું : ‘તમે અંદર આવો. હું હમણાં જ તમારા માટે બરફના પાણીની વ્યવસ્થા કરું છું.’ એ સાથે જ પેલો સોનાનો દરવાજો ધીમે ધીમે ખૂલવા માંડ્યો.
‘પરંતુ હું આ મારા કૂતરાને અંદર લાવી શકીશ ને ? મારા પાછલાં થોડાં વરસોનો એ સાથીદાર છે !’ દાદાએ કૂતરા સામે આંગળી ચીંધતા પૂછી લીધું.
‘નહીં સાહેબ ! એ શક્ય નહીં બને ! અમે પ્રાણીઓને અંદર નથી આવવા દેતા ! કૂતરાને તમારે બહાર જ છોડી દેવો પડશે.’ પેલા માણસે જવાબ આપ્યો.
દાદાએ ઘડીક વિચાર કર્યો. પછી દૂર સુધી જતા રસ્તા ઉપર પોતાના કૂતરાની સાથે ચાલવાનું શરૂ કરી દીધું. ઘણુંબધું ચાલ્યા પછી એક કાચો, ધૂળિયો રસ્તો આવ્યો. એના પર બંને આગળ વધતા રહ્યા. થોડી વાર પછી એક લીલુંછમ્મ ખેતર આવ્યું. એને તૂટીફૂટી વાડ હતી. એવો જ તૂટેલો ઝાંપો હતો. ઝાંપો ખસેડીને દાદાએ અંદર ડોકિયું કર્યું. લાંબી સફેદ દાઢીવાળો એક માણસ ઝાડના છાંયડે પડ્યો પડ્યો એક મોટી ચોપડી વાંચી રહ્યો હતો.
‘ખલેલ બદલ માફ કરજો, પરંતુ તમારી પાસેથી પીવાનું પાણી મળી શકશે ?’ દાદાએ પેલા લાંબી સફેદ દાઢીવાળાને પૂછ્યું.
‘અરે ! ચોક્કસ મળી શકશે. એમાં વળી ખલેલ શાની ? આવો, આવો ! અંદર આવી જાઓ. જો સામે છાંયડામાં હાથેથી ચલાવવાનો એક પંપ છે. તમારી જાતે સીંચીને પાણી પી લો અને આરામ કરવો હોય તો ઘડીક આરામ પણ કરી લો.’ એ માણસે જવાબ આપ્યો. પછી હસતાં હસતાં બોલ્યો, ‘અને જો અહીં જ રહેવું હોય તો પણ મને કશો જ વાંધો નથી.’
‘પરંતુ આ મારો મિત્ર અંદર આવી શકશે ખરો ?’ પોતાના કૂતરા સામે આંગળી ચીંધતા દાદાએ પૂછ્યું.
‘કેમ નહીં ? એ પણ તમારી જોડે અંદર આવી જ શકશે. અમારે અહીંયા કોઈ પણ જાતના ભેદભાવ નથી. તમે બંને જણ અંદર આવતા રહો અને જુઓ, એને પાણી પીવા માટે એ પંપની બાજુમાં નાનકડું એક વાસણ પડ્યું હશે. એ ભરીને તમે એને પણ પાણી પીવડાવી શકશો.’ દાઢીવાળાએ જવાબ આપ્યો. વાત કરતી વખતે એ ખૂબ જ પ્રેમથી બોલતો હતો અને સતત મંદમંદ હાસ્ય વેરતો હતો. દાદા એના કૂતરા સાથે વાડીમાં પ્રવેશ્યા. પંપ પરથી પાણી સીંચીને પોતે ધરાઈને પીધું તેમ જ કૂતરાને પણ પીવડાવ્યું. બંને જણ ધરાઈ ગયા. પછી ઝાડના છાંયડામાં મોટી ચોપડી લઈને વાંચતા પેલા માણસની બાજુમાં જઈને ઊભા રહ્યા.
‘તમારો ખૂબ આભાર ભાઈ ! પરંતુ હું પૂછી શકું કે તમે આ જગ્યાને શું કહો છો ?’ દાદાએ પૂછ્યું.
‘આ સ્વર્ગ છે !’ પેલા માણસે જવાબ આપ્યો.
‘પરંતુ થોડી વાર પહેલાં આની પહેલાંના રસ્તા પર એક જગ્યાએ અમને એક માણસ મળેલો. એ પણ એની જગ્યાને સ્વર્ગ તરીકે ઓળખાવતો હતો ! આ બધું ગૂંચવાડાભર્યું નથી લાગતું ?’ દાદાએ કહ્યું.
‘કઈ જગ્યા ? પેલા હીરા જડેલા સોનાના દરવાજાવાળી ?’ દાઢીવાળા માણસે પૂછ્યું, પછી કહ્યું : ‘ના ભાઈ ના ! એ સ્વર્ગ નથી, એ તો નર્ક છે !’
‘તો પછી તમે એ લોકોને જૂઠું બોલવાની ના કેમ નથી પાડતા ?’ દાદાને નવાઈ લાગી.
‘ના, ના ! ઊલટાનું અમે એના ખોટા બોલવાથી ખુશ છીએ ! એ લોકો અમારા માટે ફાયદારૂપ અને મદદરૂપ બની રહે છે. એમના કારણે એવા માણસો ત્યાં જ રોકાઈ જાય છે જે પોતાના મિત્રો તેમ જ સગાંવહાલાંઓને છોડીને પણ એકલા સ્વર્ગમાં જવા માગતા હોય ! પોતાના મિત્રો કે સગાના ભોગે પોતે એકલા જ સગવડતા ભોગવવા માગતા હોય એવા લોકોનું અમારે અહીંયા કાંઈ કામ નથી હોતું !’

No comments:

" Motivational Video "

All Posts on this blog are the property of their respective authors. All information has been reproduced here for educational and informational purposes.