કશુંક સામ્ય તો છે સાચે-સાચ કઠપૂતળી,
તને હું જોઉં અને જોઉં કાચ કઠપૂતળી.
આ તારું નૃત્ય એ મારી જ કોરિયોગ્રાફી
નચાવું જેમ તને એમ નાચ કઠપૂતળી.
હલન-ચલન ને આ ચૈતન્ય ખેલ પૂરતું છે.
જીવંત હોવાના ભ્રમમાં ન રાચ કઠપૂતળી.
સમાન હક ને વિચારોની મુક્તતા, ને બધું,
જે મારી પાસે નથી એ ન યાચ કઠપૂતળી.
‘ સહજ ’ નચાવે મને કો’ક ગુપ્ત દોરીથી,
ને તારી જેમ છું હું પણ કદાચ કઠપૂતળી.
~ વિવેક કાણે ‘ સહજ ’
--------------------------------------------------------------
ભારે થયેલાં શ્ર્વાસ હવામાં ઉછાળીએ
આંખોમાં ભરીએ આભ તણખલાંઓ ચાવીએ.
ખળખળ વહી જતી પળો કાલે ન પણ મળે,
થઇએ ભીના ફરીથી ફરીથી સુકાઇએ
ઊગતા સૂરજનો રંગ છે અત્યારે હાથમાં,
મુઠ્ઠી ભરી ભરી બધે તડકો ઉઠાવીએ.
વાતાવરણમાં ધુમ્મસી ભીનાશ ઓસની
ટીપાંઓ એકઠાં કરી દ્દશ્યો તરાવીએ
આંગણીઓ એકમેકની ગણીએ ધીમેધીમે
અંતર ક્ષિતિજ સુધી હજી પગલાંથી માપીએ.
~હેમંત ઘોરડા
-------------------------------------------------------------------------
બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્ર્વાસ રહેવા દે.
પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્ર્વાસ રહેવા દે.
વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઇશ્ર્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.
મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.
જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.
તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.
પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું.તુ મારા માટે થોડી પ્યાસ રહેવા દે.
હિતેન આનંદપરા
------------------------------------------------------------------------------
એક સપનું આવશે ને એય છાનું આવશે
જેમાં કારણ ચાહવા માટે સજાનું આવશે.
ઝાંઝવાં ફંફોસવા પાંપણ ઉઘાડી શોધતાં,
આંખમાં આંસુનું છૂપું ચોરખાનું આવશે.
પૂર્વજન્મની કથાના તાંતણાં સાંધો હજુ,
ત્યાં અધૂરું જિંદગીનું કોઇ પાનું આવશે.
નામ તો મારું લખેલું બારણા ઉપર હશે,
ઘર ખરું જોવા જશો તો ત્યાં વ્યથાનું આવશે.
ઝંખના-બસસ્ટોપ પર,છેડે પ્રતીક્ષા-માર્ગના,
ત્યાં જઇને પમ તને શોધ્યા જવાનું આવશે.
આપણે ભીંજાઇ જાવાનું વિચાર્યું ત્યાં ફરી,
ઝાપટું વરસી ગયાનું એક બ્હાનું આવશે....
હર્ષદેવ માધવ
-----------------------------------------------------------------------------
સોગઠી મારી અને તારી, નિકટ આવી હશે,
એ ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે.
ના ઉઘાડેછોગ નહીંતર આમ અજવાળું ફરે.
કોઇએ ક્યારેક છાની જ્યોત પ્રગટાવી હશે
હાથમાંથી તીર તો છૂટી ગયું છે ક્યારનું,
શું થશે, જો આ પ્રતીક્ષા-મૃગ માયાવી હશે !
આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવાં રહ્યાં,
તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે ?
હું સળગતો સૂર્ય લઇને જાઉં છું મળવા અને,
શક્ય છે કે એણે ઘરમાં સાંજ ચિતરાવી હશે !
છેવટે વ્હેલી સવારે વૃક્ષ આ ઊડી શક્યું,
પાંખ પંખીઓએ આખી રાત ફફડાવી હશે !
હર્ષદ ત્રિવેદી
-------------------------------------------------------------------------------------------
એમાં તમે છો હું છું અને થોડા મિત્રો છે,
એથી જીવન કથાના પ્રસંગો સચિત્ર છે.
દિલની સમક્ષ મારે નથી તારી કંઇ જરૂર,
દર્પણ નથી હવે એ હવે તારું ચિત્ર છે.
એ સારા માનવીનું મુકદ્દર ઘડ્યું ખરાબ,
કોને કહું કે મારી વિધાતા વિચિત્ર છે ?
જો એમાં જીવ હોત તો એ પણ સરી જતે,
સારું છે - મારા હાથમાં નિર્જીવ ચિત્ર છે.
સૌ નીંદકોને લાવી દીધા છે પ્રકાશમાં,
આપ જ કહો કે કેટલું ઊજળું ચરિત્ર છે
બેફામ જાઉં છું હું નહાઇને ર્સ્વગમાં,
જીવન ભલે ને હોય મરણ તો પવિત્ર છે.
~બરકત વીરાણી ‘બેફામ’
---------------------------------------------------------------------------------
સતત ચાલી રહ્યા છે શ્ર્વાસ ને ધબકાર મારામાં,
કરે છે કોણ આ આઠે પ્રહર સંચાર મારામાં ?
હવે સંસારમાંથી કાંઈ મેળવવું નથી મારે,
હવે શોધી રહ્યો છું હું બધોયે સાર મારામાં.
બિચારા મારા પડછાયા ય મારી બહાર ભટકે છે,
નહીં મળતો હશે એને કોઈ આધાર મારામાં.
ભીતર ખખડ્યા કરીને રાતભર ઊંઘવા નથી દેતા,
ભર્યા છે કેટલાંયે સ્વપ્નના ભંગાર મારામાં.
અરીસામાં નીરખવાની મને ફુરસત હજી ક્યાં છે ?
કરું છું હું હજી તો ખુદ મને સાકાર મારામાં.
મગર અફસોસ-મારી જેમ સૌના હાથ ખાલી છે,
વસેલા છે નહીં તો સેંકડો દાતાર મારામાં.
કદાચ એથી જ મારામાંથી હું નીકળી નથી શકતો,
બિડાયેલાં હશે કંઈ કેટલાંયે દ્વાર મારામાં.
ભલા આ સૂર્યકિરણોને હજી એની ખબર ક્યાં છે ?
દિવસ ઊગતાં સમાઈ જાય છે અંધાર મારામાં.
હું ડૂબી જઈશ તો પહોંચાડશે એ લાશને કાંઠે,
રહેલો છે કોઈ એવો ય તારણહાર મારામાં.
હું ડૂબી જઈશ તો પહોંચાડશે એ લાશને કાંઠે,
રહેલો છે કોઇ એવોય તારણ હાર મારામાં
હ્રદય લઇને ફરું છું તો પછી ઘરની જરૂરત શી ?
કરી લઉં છું મને મળનારનો સત્કાર મારામાં.
મને લાગે છે મારામાં જ ખોવાઇ ગયાં છે એ,
ઊઠે છે એમ એના નામનો પોકાર મારમાં.
તમે મલ્કયા હતા જો કે ફક્ત એક ફૂલના જેવું,
મગર ખીલી ગયો છે આખો એક ગુલઝાર મારામાં.
બીજાને શું મને ખુદને ય હુ ચાહી નથી શકતો,
ફક્ત તારે જ માટે છે બધોયે પ્યાર મારામાં.
છુ હું તો આઇના જેવો, અપેક્ષા કંઇ મને કેવી ?
કરી લો આપ પોતે આપના દીદાર મારામાં.
એ એક જ હોત તો એનો મને કંઇ ભાર ન લાગત,
રહેલા છે મગર બેફામ તો બેચાર મારામાં.
~બરકત વીરાણી ‘બેફામ’
------------------------------------------------------------------------------
પ્રહાર પહેલાં કરે છે ને સારવાર પછી,
દયા એ ક્રૂરને આવે છે અત્યાચાર પછી.
આ વિરહ-રાતની થૈ તો જશે સવાર પછી.
શરૂ થઇ જશે સંધ્યાનો ઈન્તેઝાર પછી.
કરો છો હમણાં તમે કોલ ને કરાર પછી,
અનુભવ એનો મળે છે શું થાશે ત્યાર પછી.
કરી લઇશ હું ખોટી કસમ ઉપર વિશ્ર્વાસ,
ફરેબ ખાવો સ્વાભાવિક છે એક વાર પછી.
મને ચમનમાં જવાની મળી છે તક કિંતું,
કદી બહારથી પહેલાં - કદી બહાર પછી.
અમારાં કેટલાં દુઃખ છે એ કેમ સાંભળશો ?
ગવારા કરશો તમે ? એક બે કે ચાર પછી ?
થઇ છે મ્હાત મને અશ્ક મહેરબાનોથી,
ભળું નહીં વિજય-ઉત્સવમાં કેમ હાર પછી.
~ અશ્ક માણાવદરી
No comments:
Post a Comment