[1] જીવનઘડતરની દિશામાં – સુરેશ પરીખ
ગમે તેવું સારું પુસ્તક વાંચો કે મહાન વક્તાને સાંભળો, આપણને તો માહિતી જ મળે. વાંચવાથી કે સાંભળવાથીએ જ્ઞાન મળે એવી સામાન્ય સમજ ભૂલભરેલી છે. જ્ઞાન-ડહાપણ વ્યક્તિએ જાતે પેદા કરવા પડે, એ કોઈ કોઈને આપી શકે નહીં. સમાનધર્મી મિત્રો સાથે સહવિચારણા કરીએ તો કદાચ થોડીક મદદ મળે. જે કાંઈ બધી માહિતી ભેગી થાય તેને પોતાની જાત જોડે બેસી-વિચારી સુગ્રથિત કરીએ તો તે જ્ઞાન બને. જ્ઞાનની એક વ્યાખ્યા છે કે Organised information is knowledge. જ્ઞાન સીધું કામ ન લાગે. મારી આજની પરિસ્થિતિમાં મારી જે કાંઈ સગવડ-અગવડ છે, સાધન-સંપત્તિ છે, સમજણ છે, આવડત-કુશળતા, નબળાઈઓ છે તે બધાને ધ્યાનમાં રાખી જ્ઞાનમાંથી કોઈ એક નાનકડો મુદ્દો-living package –તૈયાર કરું કે જે એ આચરણમાં મૂકી શકું. એને ડહાપણ કહેવાય. સમજણ પણ કહી શકાય. અને એ સમજણ-ડહાપણને આધારે જીવનપદ્ધતિ સમ્યક કક્ષાએ ગોઠવાય. આચાર-વિચારની એકતા વધે. અને આ જાતનું જ્ઞાનમાંથી નિપજાવેલ ડહાપણ કામ લાગે જો આપણી ઈચ્છાશક્તિ હોય તો. બાકી ઈચ્છાશક્તિ વિના કાંઈ ન થઈ શકે. હાલના મેનેજમેન્ટના સાહિત્યમાં મને ઈચ્છાશક્તિ કેવી રીતે જન્માવી શકાય કે વિકસાવી શકાય તે અંગે બહુ જાણવા મળતું નથી. વિવેકાનંદની પુસ્તિકાઓમાં કદીક આ બધામાં સારી એવી માહિતી મળી રહે છે. (‘વિચારવલોણું’ સામાયિકમાંથી ટૂંકાવીને સાભાર.)
[2] ગાંધીજી વિશે… – જોસેફ ડોક (અનુ. બાલુભાઈ પારેખ)
ગાંધી આવેગપૂર્વક બોલનારા વક્તા નથી. કશા ઉશ્કેરાટ વિના અને શાંત અવાજે એ બોલે છે, અને મુખ્યત્વે શ્રોતાઓની બુદ્ધિને અપીલ કરે છે. પણ આમ શાંત રીતે બોલતા હોવા છતાં પોતાના વિષયને સંપૂર્ણ વિશદતાથી, સાદાઈથી અને જોરદાર રીતે રજૂ કરવાની એમનામાં શક્તિ છે. એમના અવાજમાં ઝાઝા આરોહ-અવરોહ નથી આવતા, એકધારા સ્વરે એમની વાગ્ધારા વહે છે, પણ એમાં સચ્ચાઈનો રણકો સંભળાય છે. એમની ચપળ અને સ્પષ્ટ મતિ મહત્વના મુદ્દાઓને ઝડપી લે છે અને તેની એવી જોરદાર રજૂઆત કરે છે કે શ્રોતાઓ તેની સાથે સંમત થયા વિના રહી શકતા નથી. મેં એમનાં ભાષણ ઘણી વાર સાંભળ્યાં છે અને શ્રોતાઓના ચહેરા પરના બદલાતા ભાવો નિહાળ્યા છે. પોતાની વાત શ્રોતાઓને ગળે ઉતારવાની બાબતમાં કોઈ એમની તોલે ન આવે. બોલતી વખતે એ હાથ ઊંચાનીચા કરતા નથી, આંગળી સરખીયે જવલ્લે જ હલાવે છે, પણ એમની પોતાની શ્રદ્ધાનું બળ, એમની નમ્રતા અને એમની તર્કબદ્ધ રજૂઆત શ્રોતાઓને જીતી લે છે. એમના વ્યક્તિત્વની મોહિનીમાંથી બહુ ઓછા છટકી શકે છે. એમની પોતાની નમ્રતાની શક્તિ આગળ એમના કટ્ટરમાં કટ્ટર વિરોધીને પણ ચૂપ થઈ જતા અને નમ્ર બનતા મેં જોયા છે. જેઓ એમની સાથે વિવાદમાં ઊતરે છે તે સૌ પર એમના અદ્દભુત વિનયની છાપ પડ્યા વિના રહેતી નથી. એ વિનયમાં કદી ઓટ અનુભવાતી નથી. સૌને એમને મળીને એક મહાનુભાવને મળ્યાની ખાતરી થાય છે. (‘ગાંધી-ગંગા’ પુસ્તકમાંથી સાભાર.)
[3] સંતોષ…. ક્યાં છે ? – પ્રબોધ ર. જોશી
બેસતા વર્ષના દિવસે અમદાવાદમાં હોઈએ, અને ઉમાશંકરભાઈ પણ અહીં હોય, તો અચૂક અમને એમના ત્યાં પ્રણામ કરવા જઈએ. આવા જ એક દિવસે એમણે લીધેલી તસવીર, અમે સૌએ સાચવી રાખી છે. પિતાશ્રી કદાચ બહારગામ હતા. હું ય પણ. અને ત્રણ ભાઈઓને લઈને મા ભગવતી એમને ત્યાં ગયાં ત્યારે એમણે ખેંચેલી… દિવાળીના દિવસોમાં એ પણ અમારા ઘેર આવે અને સૌની સાથે (સૌની સાથે એટલે સૌની સાથે – કોઈ બાકાત ન રહી જાય) નિરાંતથી વાતો કરે. દિવાળી કરતાં ય એ મોટો અવસર.
દિવાળીટાણે અમારે ત્યાં બનતી મીઠાઈમાં મગસના લાડુ તો ખાસ બને, પણ મા એમના માટે ખાસ નાની લાડુડી બનાવી સ્ટીલના એક ડબ્બામાં અલગ મૂકી રાખે…. એકવાર એ આવ્યા અને થોડીવારે મા એક પ્લેટમાં એ લાડુડી મૂકી લાવી. એમણે એમાંથી એક ઊંચકી, એના સરસ મજાના બે ભાગ કર્યા, પછી એના ય બે ભાગ અને એ ભાગને નજાકતથી હાથમાં રાખી ધીરે ધીરે મોંમાં મમળાવતા જતાં વાત ચાલુ રાખી. આ બધા સમય દરમ્યાન, સામે બેઠેલો હું એમનું બારીકાઈથી અવલોકન કરતો રહ્યો…. મને તો મગસ ખૂબ જ ભાવે. (વતન વડનગરમાં સવારે બાવળનું દાતણ કરતાં, દાતણમાં ડાઘ નીકળે તો કશુંક ગળ્યું બનાવવાનો રિવાજ દાદીમાએ પાડી દીધેલો. એ કહે, તો પછી શું બનાવીશું ? હું કહું : એમાં તે કંઈ પૂછવાનું હોય ? મગસ.) એટલે, હું પૂછ્યા વગર ન રહી શક્યો : ‘દાદા, આટલા થોડાથી તમને સંતોષ કેમ થાય ?’ એમણે મને પાસે બોલાવ્યો અને ખભે હાથ પસવારતાં કહે : ‘ભાઈ પ્રબોધ ! સંતોષ મગસમાં નહિ, મગજ (મન)માં છે.’ એમના ગયા પછી ક્યાંય વાર સુધી એ વાક્ય હું મનમાં મમળાવતો રહ્યો…. અત્યારે લાગે છે કે ત્યારે એમણે વાતવાતમાં કેવી મોટી વાત કહી હતી. સંતોષ પદાર્થગત નથી, એ હવે બરોબર સમજાય છે. (‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.)
[4] સૌથી ઓછું સમજાયેલું તત્વ : જીવનશક્તિ – નૉર્મન કઝિન્સ
માનવચિત્ત અને શરીરમાં પુનર્રચનાની જે શક્તિ ભરી પડી છે એને ક્યારેય ઓછી ન આંકવી. આ અવની પર જે શક્તિઓ છે તેમાં સૌથી ઓછી સમજાઈ હોય એવી કોઈ શક્તિ હોય તો તે જીવનશક્તિ છે. વિલિયમ જેમ્સે કહ્યું છે કે માણસ પોતે જ ઊભી કરેલી વાડોમાં ઊંડે ઊંડે ભરાઈ બેસવા પ્રવૃત્ત થતો હોય છે. પરંતુ માનવચિત્ત અને શરીરમાં પુનર્રચના અને પૂર્તિ કરવા માટે જે પ્રાકૃતિક આવેગ રહેલો છે તેને જેમ જેમ વધુ સમજતાં જશું તેમ તેમ આ બધી વાડોની મર્યાદા દૂર થતી જશે. એ જ પ્રાકૃતિક આવેગ છે એનું સંરક્ષણ કરવું એ કદાચ માનવ-સ્વાતંત્ર્યનો સૂક્ષ્મતમ પ્રયોગ હતો. (‘જીવવાનો ચાન્સ 500માં 1’ પુસ્તકમાંથી સાભાર.)
[5] વ્યક્તિ વાંચે છે શા માટે ? – હરેશ ધોળકિયા
કોઈ પણ વ્યક્તિ વાંચે છે શા માટે ?
મોટા ભાગની વ્યક્તિઓ ‘સમય પસાર કરવા ખાતર’ વાંચે છે. મોટા ભાગનાને ‘સમય કેમ કાઢવો’ (How to kill time) તે સમસ્યા છે. તેથી, બીજી કોઈ પ્રવૃત્તિ ન સૂઝે ત્યારે, વાંચે છે. કેટલાક મનોરંજન ખાતર વાંચે છે. ફિલ્મ-ટી.વી.-ફરવું… જેવાં અન્ય મનોરંજનનાં માધ્યમો જેવું જ વાચન પણ એક માધ્યમ છે. મહત્તમ લોકો આ બે કક્ષાના વાચકોમાં આવે છે. તેમને વાચનમાં ‘સમજવા’ની ચિંતા નથી હોતી. વાંચે બધું છે, પણ ક્યાંય ન સમજાય તો તે છોડી આગળ વધે છે. પુસ્તક ‘પૂરું’ કરી નાખે છે ! બસ ! વાત પૂરી. થોડા લોકો ‘જીવનને સમજવા’ના પ્રયાસમાં વાંચે છે. તેમને જીવનનાં વિવિધ પાસાંઓ બાબતે જાણવાની, તેની માહિતી મેળવવાની, બને તો તેમાંથી જ્ઞાન મેળવવાની, ઈચ્છા હોય છે. એટલે, તેઓ ‘માત્ર’ વાંચતા નથી, ‘સમજવાનો’ પણ પ્રયાસ કરે છે. દરેક વિષયમાં, તેની સંકલ્પનામાં ઊંડા ઊતરે છે અને તલસ્પર્શી જ્ઞાન અને માહિતી મેળવે છે. આ લોકોને પણ મનોરંજન તો મળે જ છે, સાથે બુદ્ધિરંજન પણ મળે છે. તેમની બુદ્ધિ વિશાળ બને છે.
મોટા ભાગની વ્યક્તિઓ ‘સમય પસાર કરવા ખાતર’ વાંચે છે. મોટા ભાગનાને ‘સમય કેમ કાઢવો’ (How to kill time) તે સમસ્યા છે. તેથી, બીજી કોઈ પ્રવૃત્તિ ન સૂઝે ત્યારે, વાંચે છે. કેટલાક મનોરંજન ખાતર વાંચે છે. ફિલ્મ-ટી.વી.-ફરવું… જેવાં અન્ય મનોરંજનનાં માધ્યમો જેવું જ વાચન પણ એક માધ્યમ છે. મહત્તમ લોકો આ બે કક્ષાના વાચકોમાં આવે છે. તેમને વાચનમાં ‘સમજવા’ની ચિંતા નથી હોતી. વાંચે બધું છે, પણ ક્યાંય ન સમજાય તો તે છોડી આગળ વધે છે. પુસ્તક ‘પૂરું’ કરી નાખે છે ! બસ ! વાત પૂરી. થોડા લોકો ‘જીવનને સમજવા’ના પ્રયાસમાં વાંચે છે. તેમને જીવનનાં વિવિધ પાસાંઓ બાબતે જાણવાની, તેની માહિતી મેળવવાની, બને તો તેમાંથી જ્ઞાન મેળવવાની, ઈચ્છા હોય છે. એટલે, તેઓ ‘માત્ર’ વાંચતા નથી, ‘સમજવાનો’ પણ પ્રયાસ કરે છે. દરેક વિષયમાં, તેની સંકલ્પનામાં ઊંડા ઊતરે છે અને તલસ્પર્શી જ્ઞાન અને માહિતી મેળવે છે. આ લોકોને પણ મનોરંજન તો મળે જ છે, સાથે બુદ્ધિરંજન પણ મળે છે. તેમની બુદ્ધિ વિશાળ બને છે.
પણ ઘણા જ ઓછા લોકો તો જીવનને સમજવા જ નહીં, ‘જીવનને જીવવા’ માટે માર્ગદર્શન મેળવવા વાંચે છે. તેમને સમય પસાર નથી કરવો. સમય તેમના માટે ખૂબ કીમતી હોય છે. તેમને માત્ર મનોરંજનમાં પણ રસ નથી હોતો. કેવળ બુદ્ધિના વાદ-વિવાદમાં કે ચમત્કૃતિમાં પણ રસ નથી હોતો. જીવનને સમજી અટકી જવામાં પણ તેમને રસ નથી હોતો. જીવનને ઉત્તમ રીતે કેમ જીવી શકાય, જીવનની પળેપળ કેમ શ્રેષ્ઠ બને તેના પ્રયાસમાં તેઓ વાચન કરે છે. આવા લોકો માટે વાચન માર્ગદર્શનને પ્રેરણાનું કામ કરે છે. પુસ્તકો તેમના માટે ‘માધ્યમ’ જ નથી, ‘ગુરુ’ પણ છે. આવા લોકો ભલે અન્ય વાચન કરે, પણ મુખ્યત્વે તેઓ આત્મકથાઓ અને જીવનચરિત્રો વાંચે છે. જે લોકો પોતાના જીવનમાં સફળ થયા છે, જેમણે પોતાનાં ધ્યેયોને સિદ્ધ કર્યા છે, જેઓ શ્રેષ્ઠ રીતે જીવ્યા છે, તેમનાં ચરિત્રો કે તેમણે લખેલ આત્મકથાઓ આ ‘વાચકો’ વાંચે છે. આ પુસ્તકો તેમના માટે પ્રેરણાદાયી બને છે. (‘ગ્રંથ-ગોઠડી’ પુસ્તકમાંથી સાભાર.)
[6] સમજણ ને સજામુક્તિ – અજ્ઞાત
ઈરાનના બાદશાહ નૌશીરવાન એક દિવસ ભોજન લઈ રહ્યા હતા. એમના અનેક માનીતા ગુલામો પૈકીનો એક હોશિયાર ગુલામ એમને ભોજન પીરસી રહ્યો હતો. ભોજન પીરસતાં પીરસતાં અચાનક જ ભૂલથી એક ખાદ્ય ચીજ બાદશાહના ભવ્ય પોષાક ઉપર પડી ગઈ અને બાદશાહના મગજની કમાન છટકી ! બાદશાહના ગુસ્સાને તો કોઈ રોકી શકે નહિ ! એમની લાલચોળ આંખો અને લાલઘુમ ચહેરો જોઈને ગુલામને થયું કે હવે તો મોત સિવાય કોઈ આરોવારો નથી !
પરંતુ બીજી જ પળે તે ગુલામે પોતાની ત્વરિત નિર્ણયશક્તિથી એક તરકીબ અજમાવી. જે મોટા થાળ દ્વારા તે જુદી જુદી ભોજનની ચીજો પીરસી રહ્યો હતો તે આખો જ થાળ તેણે બાદશાહ નૌશીરવાન ઉપર ઢોળી દીધો ! એથી બાદશાહ તો ડઘાઈ જ ગયો ! તેને થયું કે આ ગુલામ પાગલ થઈ ગયો છે ! તેણે તાડૂકીને કહ્યું : ‘તેં આ શું પાગલવેડા માંડ્યા છે ?’ જવાબમાં પેલા ગુલામે ખૂબ જ વિનમ્રતાથી કહ્યું : ‘બાદશાહ સલામત, આપના કીમતી પોષાક ઉપર ફક્ત એક જ ચીજ ઢોળાઈ હોય અને આપ નામદાર મને ફાંસીની સજા ફરમાવો તો લોકો આપના એ હુકમની જરૂર ટીકા કરશે. પરંતુ આખો થાળ આપની ઉપર ઠાલવી દેવાથી મારો મોટો વાંક-ગુનો બધા જ યોગ્ય ઠેરવશે ! આપની બદબોઈ ના થાય એટલા ખાતર મેં આમ કર્યું છે !’ બાદશાહને ગુલામની ત્વરિત નિર્ણયશક્તિ અને ચતુરાઈ માટે માન ઉપજ્યું અને તેને સજામાંથી મુક્તિ આપી.
No comments:
Post a Comment