‘બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે.
સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર છે.’ – થોરો.
સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર છે.’ – થોરો.
જીવન-જિંદગી એટલે જીવવું તે સ્થિતિ અથવા પ્રાણ ચાલતા હોય ત્યાં સુધીની આપણી હયાતી અથવા જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયમાં આપણી જીવતા હોવાની સ્થિતિ. જીવન જીવવાની કલા જો શ્રેષ્ઠ કલા ગણાતી હોય, તો કલા, કલાના પ્રકાર અને કલાકાર વિશે પણ જાણવું જરૂરી ન ગણાય ? કલાનો સામાન્ય અર્થ મનોહર-સુંદર એવું નિર્માણ અથવા લલિતકળા એટલે કે ચિત્રકલા, નૃત્યકલા, સંગીતકલા ઈત્યાદિ અથવા હિકમત એટલે કે કારીગરી, યુક્તિ, કસબ ઈત્યાદિ. કલાના પ્રકાર પણ ઘણાબધા હોઈ શકે. કોઈ વસ્તુનું કે કલ્પનાનું નિર્માણ કરવાનું હોય, ચિત્ર, શિલ્પ ઈત્યાદિનું નિર્માણ કરવાનું હોય, સંગીત, લેખન, કાવ્ય, નૃત્ય, ઈત્યાદિનું નિર્માણ કરવાનું હોય, એમ કોઈ પણ વપરાતી વસ્તુનું નિર્માણ કરવાનું હોય ત્યારે એ નિર્માણને નયનરમ્ય, મનોહર તથા આકર્ષક બનાવે એવી કારીગરીને કલા કહેવાય અને એ કલાના નિર્માતાને કલાકાર કહેવાય.
આ દષ્ટિએ કલાના તો ઘણાબધા પ્રકાર હોવાના. એટલે કલાકારોના પ્રકાર પણ ઘણાબધા હોઈ શકે એ સ્વાભાવિક છે. મહદંશે કલા માટેનો આપણો ખ્યાલ લલિતકલા અને સાહિત્યકલા પૂરતો મર્યાદિત રહ્યો છે, એટલે ચિત્ર, નૃત્ય, શિલ્પ, સંગીત, કાવ્ય, લેખન, વક્તૃત્વ એ બધાંને આપણે કલારૂપે સમજતા રહ્યા છીએ. અલબત્ત, એ બધાંમાં કલા તો છે જ, છતાં એકલી સાહિત્ય ને લલિતકળા પૂરતી એ મર્યાદિત નથી. ગેટે તો કહેતા કે ‘કલાનું અંતિમ અને સર્વોચ્ચ ધ્યેય સૌંદર્ય-દર્શન છે.’ વળી રસ્કિન કહેતા કે, ‘સૌંદર્યનો પાઠ માત્ર કલા જ શીખવે છે.’ આમ, કલા અને સૌંદર્યને સીધો સંબંધ છે. ખરેખર જ્યાં કલા હોય, ત્યાં સહેજે સૌંદર્ય આવી વસે છે. જેમ-જેમ કલા ખીલતી જાય, હસતી જાય, ખેલતી જાય, નૃત્ય કરતી જાય અને મનને મોહિત કરીને પ્રસન્નતા પ્રકટાવતી જાય, તેમ તેમ એ સૌંદર્યપાન કરાવતી જાય. કલાકાર ચિત્રકાર હોઈ શકે, પણ ચિત્રકાર કલાકાર જ હોય એમ કહી શકાય નહિ. આ સંદર્ભે પિકાસોનું વિધાન ઘણુંબધું કહી જાય છે. તેઓ કહેતા કે, ‘ચિત્રકાર એટલે વેચાઈ શકે એવી વસ્તુઓ ચીતરનાર, જ્યારે કલાકાર એટલે જે ચીતરે એ વેચાઈ જાય.’ સંપૂર્ણ સૌંદર્ય એ પ્રેમનું બીજું નામ છે.
એટલે સાચો કલાકાર પ્રેમાળ પણ હોવાનો. આખર કલાએ તો સંપૂર્ણ સૌંદર્યમાં (પ્રેમમાં) ભળવાનું હોય છે. એટલે ચિત્રકાર, સંગીતકાર અથવા કોઈપણ ધંધાદારી, જો કલાકાર ન બને તથા કલાકાર માત્ર સૌંદર્યરૂપ ન બને, ત્યાં સુધી જીવનનું અંતિમ અને સર્વોચ્ચ ધ્યેય સિદ્ધ થયું ન કહેવાય. આમ છતાં આ ધ્યેય સિદ્ધ કરવા માટે કોઈ ને કોઈ પ્રકારની કલા પાયારૂપે આપણામાં હોવી જ જોઈએ. સાચી કલા પ્રસ્થાપિત થતી જશે તો એ કલાકારનું અંતઃકરણ પણ નિર્દોષ થતું જશે. પરિણામે એ કલા બજારુ નહિ બને. બજારુ કલામાં બાહ્ય સૌંદર્ય તો હોવાનું જ, પણ આંતરિક સૌંદર્ય નહિ હોવાનું. એટલે એ માત્ર ધંધાકીય કલા બની જશે. જો એ વધુ ને વધુ ધંધાકીય રૂપ ધારણ કરશે તો એ કસબ પતન ભણી લઈ જશે. આમ કોઈ પણ પ્રકારની કલા આપણામાં ઉદ્દભવી રહી હોય, ત્યારે એ કઈ તરફ અને કેટલે અંશે વહી રહી છે એનું જાત-નિરીક્ષણ કરવું જ રહ્યું. હરિભાઉ ઉપાધ્યાય તો કહેતા કે, ‘કલા તો સત્યનો શૃંગાર છે.’ એટલે કલા જો શૃંગાર-શણગાર બને, શોભી ઊઠે એવી બને તો સત્યની નજીકનું સ્થાન હાંસલ કરી શકે પણ એ હથિયાર બને તો ઘાતક ન નીવડે ? મૂળ સૌંદર્ય ભણી વહી રહેલી કલા જ શૃંગાર બની શકે અને એ જ સાચી કલા બની શકે. સૌંદર્યનું વસ્ત્રહરણ કરનારી કલા તો ‘કલિ’ કહેવાય, જે માત્ર ને માત્ર બજારુ હોય છે. ગાંધીબાપુએ પણ કહ્યું હતું કે, ‘સાચી કલા તો આત્માનો આવિર્ભાવ છે.’ સાચી કલા જો સત્યનો શૃંગાર કહેવાતી હોય, તો એ આત્માનો આવિર્ભાવ પણ કહેવાય ને ?
કલા, કલાકાર અને સૌંદર્યની આપણે જે કંઈ વાતો કરી એ બધામાં આપણે કલા, કલાકાર અને સૌંદર્યનું રૂપ જોયું; રૂપ જોયા પછી રૂપાળા બનવું હોય એટલે કે ખરેખર કલાકાર બનવું હોય તો આપણામાં કલાનું શ્રેષ્ઠ રૂપ ઊભરી આવવું જોઈએ. શ્રેષ્ઠ કલા અને સાચા કલાકાર માટે થોરોએ જે વિધાન કર્યું હતું તે આ પ્રમાણે છે : ‘બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે. સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર છે.’
થોરોએ અન્ય કલાઓને શ્રેષ્ઠ નથી કહી, પણ જીવન જીવવાની કલાને શ્રેષ્ઠ કહી છે. જીવન તો બધા જીવે છે. ખેડૂત, કારીગર, વેપારી, નોકરિયાત, વિદ્યાર્થી, શિક્ષક, સ્ત્રી, પુરુષ, ગરીબ, તવંગર, આસ્તિક, નાસ્તિક, સજ્જન, દુર્જન, મૂર્ખ, જ્ઞાની વગેરે જુદાજુદા ધંધાદારી અને જુદાજુદા પ્રકારના માણસો જીવન તો જીવે જ છે પણ જીવવું એ એક કલા બને, તો એ શ્રેષ્ઠ કલા હોઈ શકે. કોઈ પણ ધંધાદારી ધંધો ભલે ગમે તે કરતો હોય, પણ એમાં એની સૌંદર્યમય ધંધાકીય ભાવના હોય, તો એ ભાવના જ એના જીવનને ખુશનુમાઈ બક્ષે છે. પોતાના ધંધામાં જો નિર્દોષ અને મહેકી ઊઠે એવો પરિશ્રમ હશે, તો જ ત્યાં પ્રાણવાન જીવન હશે. અને પ્રાણવાન જીવન હશે, તો જ સાચી ખુશી પણ હશે. ઉચ્ચ ભાવનાઓ સાથે સાચી કમાણી માટેના પરિશ્રમની અને એના વડે નૈસર્ગિક રીતે પેદા થતી ખુશીની અહીં વાત છે. પરિશ્રમ વગરનું અનૈતિક અને પ્રદૂષિત એવું જીવન પણ ખુશી તો આપી શકે, છતાં ત્યાં સાચી ખુશી લહેરાઈ ઊઠતી નથી. સારી રીતે જીવન જીવતાં આવડે એ કલા અદ્દભુત ગણાય. નૃત્યકલા, સંગીતકલા કે ચિત્રકલા જેવી લલિતકલા નહિ, એમ કોઈ સુંદર વસ્તુનું નિર્માણ કરવાની કલા નહિ, પરંતુ જીવન જીવવાની કલાને થોરોએ શ્રેષ્ઠ કલા કહી છે. એનું કારણ એટલું જ કે ‘જીવન માટે કલા હોઈ શકે, કલા માટે જીવન ન હોઈ શકે.’ એટલે જે સારી રીતે જીવી જાણે તે જ કલાકાર છે. જોનસન તો કહેતા કે, ‘માનવી કેવી રીતે મૃત્યુ પામે છે એ મહત્વનું નથી, પણ મહત્વની વાત એ છે કે તે કેવી રીતે જીવે છે.’ જો કેવી રીતે જીવવું એ કલા હસ્તગત થઈ જાય, તો જીવન પણ સુંદર અને મૃત્યુ પણ સુંદર હોવાનું.
મનુ ભગવાને કહ્યું હતું કે, ‘જીવન એક સંગ્રામ છે, એક યજ્ઞ છે, એક સાગર છે. જખમો વિના સંગ્રામ હોઈ શકે નહિ, જ્વાળા વિના યજ્ઞ હોઈ શકે નહિ, તોફાન વિના સાગર હોઈ શકે નહિ. આ બધાંને હસતે મુખે આવકારનાર વ્યક્તિ જ જીવનને સાચા અર્થમાં સમજી શકે છે.’ અર્થાત જીવનમાં સંઘર્ષો-મુશ્કેલીઓ-વિપત્તિઓ તો આવવાનાં, પરંતુ એ વખતે પ્રસન્નતા જળવાઈ રહે, તો જ જીવન જીવી જાણ્યું કહેવાય. આમ છતાં અહીં મહત્વની વાત એ છે કે સાચી અને સારી રીતે જીવન જીવી જાણવું શી રીતે ? શું કરીએ તો જીવન પ્રસન્નતાપૂર્વક વહેતું રહે ?
હવે જ્યારે પ્રસન્નતાપૂર્વક જીવી જાણવાની વાત આવે છે, ત્યારે જીવી જાણવા માટે કેટલાક લોકો જીવનમાં આદર્શોને અપનાવવાનું કહેતા હોય છે. ‘જે છે’ એને બદલે ‘જે હોવું જોઈએ’ એ પ્રમાણે જીવવાની વાત કરતા હોય છે. ‘જે હોવું જોઈએ’ એ આદર્શો છે. એટલે જ્યારે આપણે આદર્શો મુજબ જીવવાનું શરૂ કરીએ છીએ, ત્યારે આપણામાં ‘જે છે’ અને ‘જે હોવું જોઈએ’ એ બે વચ્ચે ઘર્ષણ થાય છે – ટકરામણ થાય છે. (અલબત્ત ‘જે છે’ એમાં સારું તથા ખરાબ બંને ઓછાં-વત્તાં હોય છે. પણ ‘જે હોવું જોઈએ’ એમાં માત્ર સારું હોય છે.) પરિણામે ક્યારેક આપણે ‘જે હોવું જોઈએ’ એ આદર્શ મુજબ જીવીએ છીએ, તો ક્યારેક ‘જે છે’ એ પ્રમાણે જીવીએ છીએ, ખરું ને ? એકલા ‘જે હોવું જોઈએ’ એમાં જીવી શકતા નથી, કેમ કે ‘જે છે’ એમાંના ખરાબને સુધારવા આડકતરી રીતે એને તિરસ્કૃત કરવામાં આવે છે, એના પર હુકમ કે દબાણ દ્વારા સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આમ એને અપમાનિત કરવામાં આવે છે. શું એક પર પ્રેમ અને બીજા પર તિરસ્કાર એ જીવન જીવવાની કલા હોઈ શકે ? તિરસ્કૃત થયેલું આપણામાં રહેલું ‘જે છે’ તેમાંનું ખરાબ ક્યારેક તોફાન પણ મચાવે છે. ખરેખર તો ‘જે હોવું જોઈએ’ એનું મહત્વ વધાર્યા સિવાય ‘જે છે’ એને સમજવાની જરૂર છે. ‘જે છે’ એને બચાવ કે તિરસ્કાર (ધિક્કાર) વિના સમજવામાં આવે, એનું મૂલ્યાંકન કર્યા સિવાય માત્ર ને માત્ર એને જ નિહાળવામાં આવે, પછી ભલે એ સારું હોય કે ખરાબ, તો એની નિકટ અવાય છે. પરિણામે ખરાબ અને સારું એ બંને વિકૃતિઓથી મુક્ત થવાય છે, કેમ કે નિકટ આવવાથી ખરાબ અને સારું, ખોટું અને સાચું, નીચ અને ઉચ્ચ, તિરસ્કાર અને પ્રેમ જેવાં દ્વન્દ્વો પર અનાયાસે સમત્વ પેદા થાય છે, સમભાવ પેદા થાય છે. એટલે હવે તેઓ ખખડતાં-લડતાં અટકી જાય છે. પરિણામે લડવામાં ખર્ચાઈ જતી શક્તિ બચી જાય છે, એટલે શક્તિસભર પણ થવાય છે. ક્ષણે-ક્ષણે આપણા સારા અને ખરાબ વિચારો વચ્ચે અથડામણ-ટકરામણ કે ઘર્ષણ થતું હોઈ, આપણે શક્તિ ગુમાવવા સિવાય નવું શું કરીએ છીએ ? માટે વિચારક વિના વિચારને જોવાની જરૂર રહે છે. આમ બને તો જ આપણી શક્તિ વેડફાઈ જતી અટકે છે, જે સુંદરતાનો નિષ્કામ આવેગ લાવે છે અને ક્રિયામાં નિષ્કામ કર્મ લાવે છે. સહજ ખીલેલા આ સમત્વભાવને કારણે બધાંની સાથે હળીમળીને રહેવાય છે. છતાં એ સમત્વભાવ આંતરિક સૌંદર્યને પણ પ્રકટાવે છે. આમ બનવાથી ભારવિહીન અને નિર્દોષ થવાય છે, કેમ કે અહીં સુધારવાનો કોઈ પ્રયત્ન હોતો નથી, પરંતુ સહજ પ્રયત્ન હોવાથી, કર્તા વગરનો પ્રયત્ન હોવાથી સહજ સારાપણું ખીલી ઊઠે છે.
આપણે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ, તો પણ સારી પરિસ્થિતિને વખાણીને અને ખરાબ પરિસ્થિતિને દોષ દઈને ન જીવતા હોઈએ, તો સુખ શોધવા જવું પડતું નથી. સુખમાં છકી જવું અને દુઃખમાં હિંમત હારી જવી એ સામાન્ય માણસની માનસિકતા છે. પરિસ્થિતિને વશ થવાને બદલે પરિસ્થિતિ જ આપણને અનાયાસે (સહેજે) વશ થાય એવું બને ત્યારે બને, જ્યારે વિરોધી પરિસ્થિતિઓ સમજપૂર્વક ખુદ શાંત બની આપણને અનુકૂળ થવા આવે. આમ, આપણે ‘જે છે’ એમાં પ્રસન્નતા રાખી શકીએ, તો વર્તમાનમાં જીવી શકીએ. આપણે નઠારા હોઈએ તો માત્ર ને માત્ર નઠારાપણાને, દંભી હોઈએ તો માત્ર અને માત્ર દંભીપણાને, એમ દયાળુ હોઈએ તો માત્ર અને માત્ર દયાળુપણાને પ્રત્યાઘાત પડવા દીધા સિવાય નિરપેક્ષ જોઈ શકીએ, તો મન બીજું કશું માગતું નથી, એ સહજ શાંત બને છે. એવું સહજ શાંત બનેલું મન સદા તાજું જ હોવાનું, જે તમામ દ્વન્દ્વોથી મુક્ત હોઈ, સદા પ્રસન્નતા રેલાવતું હોવાનું. અહીં સુખ અને દુઃખ જેવાં તમામ દ્વન્દ્વો ખરી પડતાં હોઈ, ઈચ્છાઓ ખરી પડી હોઈ, સંતોષ સહેજે આવી વસ્યો હોઈ, એક તાજા, નિર્દોષ, યુવા, જીવંત અને વર્તમાનને માણતા મનનો ઉદ્દભવ થયો હોઈ, હરક્ષણે પ્રસન્ન રહી શકાય છે. જેટલે અંશે આપણે વિપરીત સંજોગોમાં પણ પ્રસન્ન રહી શકીએ, એટલે અંશે આપણે જીવન જીવવાની કલાને શ્રેષ્ઠ બનાવી શકીએ.
No comments:
Post a Comment