Google Search

Sunday, December 11, 2011

શરદી : જેને કોઈ ગંભીરતાથી લેતું નથી – વિનોદ ભટ્ટ


આપણે ત્યાં સાહિત્યમાં જે સ્થાન હાસ્યલેખકનું છે એ સ્થાન રોગોમાં શરદીનું છે – તેને કોઈ ગંભીરતાથી લેતું નથી. આ શરદી એ એવી બીમારી છે જેમાં બીમાર પ્રત્યે કોઈ ખાસ સહાનુભૂતિ બતાવતું નથી. ‘ઓહ, શરદી થઈ છે ? એમાં આટલા બધા નંખાઈ શું જાઓ છો ? મટી જશે, જરા હિંમત રાખો, શું સમજ્યા ? આ કંઈ એવી મોટી બીમારી નથી….’ એમ કહીને શરદીના દરદીને, તે જાણે માંદા હોવાનો ઢોંગ કરતો હોય એ રીતે તેની સામે જોવામાં આવે છે. આ શરદી માટે તુચ્છકારથી કહેવાયું છે કે શરદીની દવા લેવામાં આવે તો તે અઠવાડિયામાં મટી જાય છે ને તેની દવા લેવામાં ન આવે તો તે માત્ર સાત જ દિવસમાં ચોક્ક્સપણે મટે છે.
અને એ પણ એટલું જ સાચું છે કે શરદીની કોઈ અકસીર દવા હજી સુધી શોધાઈ નથી. આપણે ચન્દ્ર પર પગ મૂકી આવ્યા, કાલે સવારે કદાચ મંગળ ગ્રહ પર જઈને મંગળનેય નડીશું, પણ શરદીની દવાને આપણે નહીં જડીએ. ડૉ. હાર્બર્ટ રાઈમન જણાવે છે કે વી કાન્ટ ક્યૉર કોલ્ડ… ચિકિત્સાશાસ્ત્રે શરદીની બાબતમાં હાથ અદ્ધર કરી દીધા છે, છતાં મઝાની વાત એ છે કે ડૉક્ટર તથા દરદી, બન્નેને આની ખબર છે તોપણ દાક્તરો, દરદીઓને શરદીની ગોળીઓ, કૅપ્સ્યુલ્સ, મમળાવવાની ટેબ્લેટ, કોગળા કરવાની દવા, ચોપડવાની દવા, સિરપ અને ઈંજેકશન્સ હોંશેહોંશે આપે છે જે દરદીઓ શ્રદ્ધાપૂર્વક લઈ જાય છે એટલું જ નહીં, એનો ઉપયોગ પણ કરે છે. માત્ર શરદીની જ આવી લગભગ બે હજાર જેટલી દવાઓ બજારમાં મળે છે. આ દવાઓ લેવાથી લેનારને તે શારીરિક કરતાં માનસિક રાહત વધારે આપે છે ને આ દવાઓ બનાવીને વેચનારને આર્થિક રીતે ન્યાલ કરી દે છે…. ભેજવાળું વાતાવરણ અને પાણીમાં સતત પલળવાથી શરદી થાય છે એવું મનાય છે, પણ પાણીમાં ચોવીસ કલાક રહેતી માછલીને શરદી થયાનું સાંભળ્યું છે ?
એટલે શરદી આવા કોઈ નિયમને ગાંઠતી નથી. આપણે ત્યાં એંશી ટકા લોકોને શરદી-સળેખમ થાય છે, પણ રશિયા જેવા અતિ ઠંડા પ્રદેશમાં શરદીનું પ્રમાણ ત્રીસ ટકા જેટલું જ છે. આબાલ-વૃદ્ધ તેમ જ ગરીબ અને તવંગરને થતો આ સામાન્ય વ્યાધિ – આમાં તો ઈશ્વરે પણ કોઈ પક્ષપાત રાખ્યો નથી. બાકી ઈશ્વર ગરીબ-તવંગર વચ્ચે કાયમ ભેદ રાખે છે. ગરીબને તે ભૂખ આપે છે ને ધનિકને પૈસો. આમ તો કોઈ પણ ઋતુમાં શરદી થતી હોય છે, પણ શિયાળા સાથે શરદીને બાપ-દીકરી જેવો સંબંધ છે. દીકરીને તેના પિતા તરફ હોય છે એટલું વહાલ શરદીને શિયાળા માટે છે. શરદીની બીજી વિશેષતા એ છે કે તેનાથી જે ડરતા હોય છે તેમને તે વધારે ગભરાવે છે. શિયાળામાં આખો દિવસ પગથી માથા સુધી ગરમ કપડામાં પોતાની જાતને ઢબૂરી દઈ, બારણાં બંધ કરીને સૂનારાના બારણે ટકોરા માર્યા વગર, બે બારણાં વચ્ચેની તિરાડમાંથી ઘૂસીને, એ વ્યક્તિના શરીર પર તે હુમલો કરી દે છે. શરીરરૂપી આ ઘરમાં તે રહે છે તો માત્ર એક જ વીક, પણ એ ત્રણ અઠવાડિયાં સુધી તેના શિકારને વીક બનાવી ચાલી જાય છે. પેલાને સતત ભાન કરાવ્યા કરે છે કે તે શરદીનો દરદી હતો : ‘શરીર તો ઠીક, તેનું મગજ પણ કોઈપણ પ્રકારનો પરિશ્રમ કર્યા વગર થાકેલું રહે છે.’
અંગ્રેજીમાં આને ટુ કૅચ એ કોલ્ડ (શરદીમાં ઝડપાવું) એમ કહેવાય છે. શરદીમાં ઝડપાયેલી વ્યક્તિને, પોતે જાણે લાંચ લેતાં ઝડપાયો હોય એવી લાગણી થાય છે. લાંચે લેનાર સામે લોકો હમદર્દીથી નથી જોતા એવી જ સ્થિતિ શરદીમાં જકડાયેલાની પણ હોય છે. ‘અય મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભરલો પાની’ – જેવું ભાવનાશીલ ગીત સાંભળ્યા વગર જ આંખો પાણીથી ઊભરાવા માંડે. આંખને કંપની આપવા નાક પણ પ્રચૂર માત્રામાં પાણી વહેવડાવી, લાલઘૂમ રંગ પ્રાપ્ત કરી લે, આખા ચહેરામાં માત્ર નાક જ પોતાનું પ્રભુત્વ પ્રસ્થાપિત કરતું દેખાય એ વખતે વિચાર આવે કે ભગવાને માણસજાતને જો નાક ન આપ્યું હોત તો તેને ને તેને ઑફિસમાંથી ઘેર જવાની રજા આપનાર બૉસને, તેને થયેલી શરદીની ખબર કેવી રીતે પડત ? શરદીને લીધે છીંકો આવવાથી લોકોને અપશુકન ને તેને ખુદને અસ્વસ્થતા થાય. હાથ-પગ તૂટે, કોઈએ જાણે મૂઢ માર માર્યો હોય એવી લાગણી થાય, માથું આમ તો ખાલી હોય, એના ખાલીપણાના અનેક પુરાવા સગાં-સ્નેહીઓ પાસે મોજૂદ હોય, તોપણ આવા વખતે એ માથું ભારે લાગે – ભર્યું ભર્યું લાગે ને દુખ્યા કરે. કોઈ સ્વજનના અવસાનને કારણે ગળે ડૂમો ભરાઈ ગયો હોય એમ ગળું રૂંધાયેલું લાગે. નજીવી ગણાતી શરદીથી માણસ કંઈ મરી જતો નથી, પણ અધમૂઓ જરૂર થઈ જાય છે. અમે એક વાર ટી.વી. સામે બેઠા હતા ત્યારે ‘કટોકટી ફેમ’ શ્રીમતી ઈન્દિરા ગાંધી પોતાના નાક પર લાચારી અને વેદનાથી ખાદીનો રૂમાલ ફેરવી રહ્યાં હતાં. ટી.વી. પરનું આ દશ્ય જોઈને અમને થતું હતું કે આ શરદી તો આ ઈન્દિરા ગાંધીથીય વધારે જોરાવર કહેવાય. જો ને, બાપડીનાં આંખ-નાક કેવાં સૂઝી ગયાં છે !
દરેક માણસના શરીરમાં પ્રકૃતિ બનીને એકાદ પ્રધાન તો પડ્યો જ હોય છે, પછી તે કફપ્રધાન હોય, પિત્તપ્રધાન હોય કે વાતપ્રધાન હોય. આ ત્રણેય પ્રધાનો શૉર્ટ ટેમ્પર્ડ હોવાથી નાનીઅમથી અરાજકતાથી તે કુપિત થઈ જાય છે. આપણા શરીરમાં જે લોહી હોય છે તેની સાથે આપણે લોહીનો સંબંધ હોય છે, આપણું તે સગું-વહાલું હોય છે છતાં આ જ રુધિર પણ પ્રકોપ પામીને શરદી ઉત્પન્ન કરવામાં વાયુને મદદ કરે છે. આચાર્ય ચરકના કથનાનુસાર : ‘મસ્તક વાયુથી પરિપૂર્ણ હોય એવી સ્થિતિમાં નાસિકાના મૂળમાં રહેલાં કફ, પિત્ત કે લોહી વાયુની તરફ ગતિ કરે છે, રોગને ઉત્પન્ન કરવામાં એને સહાય કરે છે….’ શરદી થવાનાં કેટલાંક તદ્દન નાનાં કારણો આયુર્વેદશાસ્ત્રમાં આપવામાં આવ્યાં છે. ઉદ., લઘુશંકા યા ગુરુશંકાનું નિવારણ કરવાને બદલે તેને રોકી રાખવામાં આવે ને વાયુની પ્રતિલોમગતિ અને પ્રકોપ થાય છે જે પછી શરદીનું રૂપ ધારણ કરે છે. રજ અર્થાત ધૂળ, ફૂલ અને બારીક કણોથી પણ શરદી થાય છે. અતિ ભાષણ કરવાથી પણ વક્તાને શરદી ને શ્રોતાને માથાનો દુખાવો થાય છે. આમ અતિ પ્રલાપ વાયુનો પ્રકોપ કરનાર છે. આ ઉપરાંત ક્રોધ, માથા પર સૂરજનો તાપ, ઋતુપરિવર્તન ને ઝાકળ જેવાં કુદરતી તત્વો દ્વારાય શરદી થાય છે, તેમ જ બપોરની ઊંઘ, રાતનો ઉજાગરો, ધુમાડા ને પાણીનું વધુ પડતું સેવન આ બધાં શરદી થવાનાં નાનાં-મોટાં કારણો છે.
અને આ શરદીના આગમન અગાઉ પાયલોટ કારની જેમ શરીરમાં બેચેની, ધ્રુજારી, ઠંડી વગેરે દેખા દે છે. આવું થવા માંડે ત્યારે શરદી નાકનાં ને ગળાનાં બારણાં ખખડાવે એની રાહ જોયા વગર રાતે સૂતાં પહેલાં અને/અથવા સવારે જાગ્યા પછી સાદું સ્નાન કરવાને બદલે પાદ-સ્નાન લેવું. વાનગીનાં પુસ્તકોમાં કોઈ ખાદ્ય પદાર્થ સારો (અથવા ખરાબ) બનાવવાની રીત હોય છે એ રીતે પાદ-સ્નાનની રીત જાણી લેવી જોઈએ. એક ડોલમાં ગરમ પાણી ભરવું. ત્યાર બાદ તેમાં એક તોલા જેટલો રાઈનો ભૂકો નાખવો. પછી આ પાણીને સારી કે નરસી – આવડે એ રીતે બરાબર હલાવવું, પાણીમાં તમારી ઘાત છે એવું કોઈ જ્યોતિષીએ તમને કહ્યું ન હોય અથવા તો તમે જ્યોતિષમાં માનતા ન હો તો તમારા બંને પગ ઘૂંટી સુધી ડૂબી જાય એ રીતે પાણીમાં રાખો. આમ પંદરથી વીસ મિનિટ ગરમ પાદ-સ્નાન લો. માત્ર પગની આસપાસ જ ગરમ પાણી છે એવું મગજને ન લાગે એ માટે આ વિધિ દરમિયાન એક ગ્લાસ ગરમ પાણી પણ પી લેવું. પાદ-સ્નાન વખતે શરીરને ગરમ ચાદર કે બ્લેંકેટથી વીંટાળી દેવું, જેથી શરદીને ખબર ના પડે કે તેને ભગાડવા માટે તમે આવા પેંતરા કરી રહ્યા છો. શરદી તમારા પર તીવ્ર હુમલો કરવાનું વિચારે ત્યાર પહેલાં, તમને તે આવી સ્થિતિમાં જોઈ પોબારા ગણી જશે. શરદી-સળેખમનો ભારે હુમલો આવે તો વધુ શારીરિક ને તેથીય વધારે માનસિક આરામ કરવો. માનસિક આરામ એટલે મગજને કષ્ટ ન પડે એવું હળવું કામ કરવું. હા, કવિતા, અપદ્યાગદ્ય કવિતા લખી શકાય ને કવિતા લખવાનો કંટાળો આવતો હોય તો વિકલ્પે હાસ્યલેખ પણ લખી શકાય – આપણે આપણા જ સ્વાસ્થ્યની વિશેષ ચિંતા કરવાની, વાંચનાર તેના હિસાબે ને જોખમે જ વાંચતો હોય છે એમ માની લખવાનું.
શરદી દરમિયાન બને ત્યાં સુધી સ્નાન કરવું નહીં અને નહીં નહાવાથી શરીરમાંથી વાસ આવે છે એવી ફરિયાદ કુટુંબીજનો કરતા હોય તો શરીર પર ઈન્ટિમેટ, ઈવાના કે ડેનિમ જેવું તીવ્ર સુગંધીવાળું પરફ્યુમ છાંટવું. પરફ્યુમ્સનો ઉપયોગ બહુધા આવાં કારણસર જ થતો હોય છે. કેટલીક વાર તો શરીરની સ્મેલ કરતાં આ પરફ્યુમ્સની સ્મેલ વધારે ત્રાસદાયક લાગે છે, તો આવા કિસ્સામાં ગરમ પાણીથી સ્નાન કરવું. શરીર પર ગરમ કપડાં રાખવાં – ના, સ્નાન વખતે એ ત્યજી દેવાં. શરદીનું જોર વધારે જણાય તો એક મોટા તપેલામાં સહન થઈ શકે એટલું ગરમ પાણી ભરી ગળા સુધી પાણી આવે એ રીતે બેસવું કે સૂઈ જવું. આટલું મોટું તપેલું અમારે ક્યાંથી લાવવું ? જેવા ફાલતુ સવાલો પૂછવા નહીં ને એ તપેલામાં કેવી રીતે સૂઈ શકાય એ પણ તમારો પ્રશ્ન છે. આ પેલા રસોઈયાઓ મોટાં તપેલાં ક્યાંથી લાવે છે ? – વ્હૅન ધેર ઈઝ એ વિલ, ધેર ઈઝ એ વે, મન હોય તો માળવે જવાય…. ને સ્નાન કર્યા પછી બાથરૂમમાંથી બહાર નીકળ્યા પછી શરીરને લૂછી નાખવું; કેમકે એને કપડાંની જેમ સૂકવી શકાતું નથી.
અને જૂની શરદીવાળાએ તો ઠંડા પાણીથી જ નહાવું. ઠંડા પાણીની આ જ ખૂબી છે. તે નવી શરદી વધારે છે અને જૂની શરદી મટાડે છે. પાણી તેમ જ શરદી, બન્ને માટે આ વિચિત્ર છે. આ કારણે એક દવા લેખે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. આ ઠંડા પાણીમાં શરદી સામે રોગ પ્રતિકાત્મક શક્તિ છે… આવો જ બીજો ઉપાય ભીના ટુવાલનો છે. લાંબા (અર્થાત બજારમાં મળે છે એટલા જ લાંબા, ધોતિયા જેટલા નહીં) ટુવાલને ઠંડા પાણીમાં ભીંજવી તેના બન્ને છેડા પકડી ખેંચી તે પીઠ, પગ ને શરીર પર બળપૂર્વક ઘસો, પણ એ રીતે જોરથી ખેંચવા જતાં ટુવાલ ફાટી ન જાય એનું પણ ધ્યાન રાખવું – આપણે શરદીથી છુટકારો મેળવવાનો છે, ટુવાલથી નહીં. ત્યાર બાદ એક બીજો સૂકો ટુવાલ લઈ એના વડે શરીરને ખૂબ સારી રીતે ઘસ્યા કરો. ચામડી છોલાઈ જાય ત્યાં સુધી આ વ્યાયામ જાળવી રાખવો. આ પ્રયોગથી ચામડી મજબૂત અને ટકાઉ બનશે. અહીં મજબૂતની સાથે મેં વાપરેલા ટકાઉ શબ્દ અંગે પૂછવું નહીં કે આ મજબૂત ને ટકાઉ ચામડીનો ઉપયોગ જૂતાં બનાવવામાં કરવાનો છે ?….. અને એક વાતની નિરાંત રાખવી, ચામડી ખૂબ ઘસાવાથી ઊખડી જશે તો નવી ચામડી આપોઆપ આવી જશે. આ ટુવાલ-ઘર્ષણ રક્તભ્રમણને વધારી મળવિસર્જનના કાર્યને વેગવંતું બનાવશે.
આ ઉપરાંત શરીર પર સરસિયાની માલિશ કરવી. આ સરસિયાની માલિશ ખૂબ જ ફાયદાકારક છે. મ્યુનિ. બસમાં તમે નિરાંતે બેસીને મુસાફરી કરી શકશો. તમારી બાજુમાં બેઠેલો મુસાફર એની વાસથી પ્રભાવિત થઈ જગ્યા બદલી કાઢશે. પણ અત્રે જે લખવામાં આવે છે એ જરા જુદો, ઘરમાં બેસીને કરવાનો પ્રયોગ છે. સરસિયા-માલિશ કર્યા બાદ નેતરની ખુરસી ગમે ત્યાંથી મેળવી તેના પર બેસવું. એક તપેલીમાં લીમડો, અરડૂસી, નાગોડા (કેટલાક તેને નાગોડ પણ કહે છે), સરગવાનાં પાંદડાં નાખી પાણી સખ્ત ઉકાળવું ને વરાળ કાઢતી એ તપેલી ખુરસી નીચે રાખી, ખુરસીને ફરતો ગરમ ધાબળો રહે એમ તેને ગરદન સુધી ઓઢી લેવો. સાથે માથા પર ભીનું કપડું રાખવું. આમાં એક વાતનો ખાસ ખ્યાલ રાખવાનો છે. દાઝી ન જવાય કે ઘરમાં આગ ન લાગે એની સાવચેતી રાખવાની છે. જો ઘરમાં કોર્ડલેસ ફોન હોય તો તે જોડે લઈને બેસવું ને ફાયર બ્રિગેડનો ફોન નંબર પણ આ વખતે આંખ સામે – સ્મૃતિમાં રાખવો. સવાલ ફક્ત પંદરથી વીસ મિનિટનો જ છે – આગ માટે નહીં, તમારા વરાળ-સ્નાન માટે. આ વરાળ લેવાથી તમારા શરીરમાંથી ગંદો પરસેવો બહાર નીકળશે – ગભરાશો નહીં, પરસેવો ક્યારેય સુગંધીયુક્ત નથી હોતો. ઉર્દૂલેખક ક્રિશ્નચંદરે એક વાર્તા લખી હતી ‘ઔરતોં કા ઈત્ર’ જેમાં સુંદર છોકરીઓને ભર ઉનાળામાં તડકે ઊભી રાખી તેમના શરીરમાંથી જે પરસેવો ફૂટતો – નીકળતો એનું અત્તર બનાવી વેચવામાં આવતું, પણ આવું બધું કવિતા કે વાર્તામાં શક્ય છે, બાકી પરસેવો એ પરસેવો છે. આપણા શરીરમાં 70 લાખ જેટલાં છિદ્રો છે. આ છિદ્રોને એકબીજાની સાવ નજીક ગોઠવવાનો વ્યાયામ કરવામાં આવે તો 28 માઈલ લાંબી ગટર થઈ શકે. આ શરીર-ખાળમાંથી દરરોજ બેથી ત્રણ રતલ પરસેવા દ્વારા ઝેરી કચરો બહાર ફેંકાય છે, પણ શિયાળામાં શારીરિક શ્રમ કરનારાઓ સિવાયનાઓને ખાસ પરસેવો વળતો નથી. બુદ્ધિજીવીઓને મગજ સતત કાર્યશીલ રાખવાને કારણે મગજમાં પરસેવો થાય છે કે કેમ એની શોધ હજી થવી બાકી છે. આયુર્વેદ જણાવે છે કે શરદી-સળેખમ એ કુદરતના કાયદા તોડવાની સજા છે. કેફિન, મોરફિન અને એટ્રોપિન વગેરે દવાઓ લેવાથી શરદીમાં થોડી રાહત જેવું જણાય છે, પણ આ ઝેર સમી દવાઓ વધુ માત્રામાં લેવાથી કાનમાં બહેરાશ પણ આવે છે.
શરદી-સળેખમ ખૂબ વધી જાય, નાક સતત ગળવા માંડે, નાકમાં સોજો આવે ત્યારે માણસ સુવાસ પરખવાની શક્તિ પણ ગુમાવી બેસે છે. તેને મન ગુલાબ, ધતૂરો કે કાગળાં ફૂલો એકસરખાં બની જાય છે – સુગંધ-દુર્ગંધથી તે પર થઈ જાય છે. આધ્યાત્મિક અર્થમાં જોઈએ તો તેના આ સમભાવને ઉચ્ચતા તરફ ગતિ કરનાર ગણાવી શકાય. નાક, કાન અને ગળાની નળીઓ એકબીજા સાથે જોડાયેલી છે – જે ઈએનટી સર્જનો માટે આશીર્વાદરૂપ છે. જોકે આયુર્વેદ આવા સર્જનો પાસે જવાની સલાહ નથી આપતું. એ તો અતિસામાન્ય અને બિનખર્ચાળ અથવા તો ઓછા ખર્ચાળ નુસખા બતાવે છે. ઉદા, ગળાની શરદી જેવું લાગે તો ગળાની આસપાસ, ભીંસ ન આવે એ રીતે વીંટી શકાય એવા મફલર આકારનો ખાદીનો ટુકડો લેવો. અહીં જે મહત્વ છે એ ટુકડા કરતાં ખાદીનું વધારે છે એ ભૂલવું નહીં. એ કપડાને ઠંડા પાણીથી ભીંજવી, નિચોવી, ગળાની આસપાસ લપેટવું. એના પર ઊનનું મોટું કપડું વીંટાળી તેને ચાર-પાંચ કલાક, સહન થાય ત્યાં સુધી લપેટેલું રાખવું. આમ કરવાથી ગળાની શરદી, ખણસ, કફ ઈત્યાદિ ઝડપથી ચાલ્યાં જાય છે. આ સિવાય જો શરદી થવાની રાહ ન જોવી હોય તો એનાય રસ્તા છે. શરદી થાય એ પહેલાં સૂંઠનો ભૂકો નાખી દૂધ ઉકાળીને પીવું. એથી કદાચ એસિડિટી થશે, પણ શરદીમાં આરામ જેવું ચોક્કસ જણાશે. કેટલાક નાજુક પ્રકૃતિવાળાઓને ગોળ ગરમ પડે છે ને ખાંડ ખાતાં શરદી થઈ જાય છે. આવા કિસ્સામાં આપણે જ નક્કી કરવાનું છે કે આપણને કઈ બીમારી પોસાઈ શકે તેમ છે ? દૂધમાં સૂકી હળદર, પીપરીમૂળ ને ધોળાં મરી નાખીને એ દૂધ પી જવું – આ દૂધનો સ્વાદ નિર્વિવાદપણે દૂધને બદલે દવા જેવો લાગશે, પણ આપણે એ દૂધ નહીં, દવા માનીને જ પીવાનું છે અને શરદી તથા કફથી ગળું ભરાઈ ગયું છે એવું લાગે ત્યારે ગરમ પાણીમાં સિંધવ ને મધ નાખી તે પી જવું ને પછી તેની ઊલટી કરી નાખવી. આયુર્વેદની દરેક દવા કંઈ ખાવા કે પીવા માટે નથી હોતી, કેટલીક ઊલટી કરી નાખવા માટે પણ હોય છે – એમાંની થોડીક તો એવીય હોય છે જેનું સ્મરણ કરતાં જ બકારીનું સેન્સેશન થવા માંડે છે.
આપણને કરવા ન ગમે એવા શરદી મટાડવાના ઘણા અખતરા આયુર્વેદ પાસે છે, જેમકે અંગારા પર સૂકી હળદર નાખી તેનો ધુમાડો નાક વાટે શ્વાસમાં લેવો. લવિંગ કે કપૂર વાટી તેને ખૂબ ગરમ કરી, કપાળ બળી ન જાય એ રીતે તેનો લેપ કરવો. આવો લેપ કર્યા બાદ ઘરની બહાર નીકળતાં શરમ આવતી હોય, કપાળ પરના આ લેપને કોઈપણ સંપ્રદાયનો ટ્રેડમાર્ક ગણી તમારી ધર્મ-નિરપેક્ષ હોવાની છાપને કોઈ ભૂંસી નાખશે એવો ડર પણ લાગતો હોય તો ઘરની બહાર નીકળશો નહીં…… ગરમ ચોખ્ખું ઘી નાકની બહાર કે નાકની અંદર ચોપડવું. વેજિટેબલ ઘીનો ઉપયોગ રોટલી ચોપડવામાં ભલે તમે કરો, નાકમાં કે નાકની આસપાસ ચોપડવામાં ના કરશો. કેટલાક દવાવાળાઓ ચન્દ્રામૃત, ચન્દ્રોદય, મહાલક્ષ્મી વિલાસ કે મહાલક્ષ્મી નારાયણ આપીને તમારી પાસેથી નગદ નારાયણ અંકે કરી લેશે. માત્ર સિંગલ નારાયણ સામે તમારે નગદ નારાયણ ચૂકવવા પડશે. વૈદ્ય લાભશંકર ઠાકરના જણાવ્યા પ્રમાણે આ દવા લક્ષ્મીવિલાસ રસ પ્રમાણમાં મોંઘી છે. જોકે એના નામ પરથી જ ખબર પડી જાય છે કે લક્ષ્મીવિલાસ નામ શુદ્ધ રીતે લક્ષ્મી સાથે જોડાયેલું છે, પણ જેની પાસે લક્ષ્મી વધારે હોય ને તેને લક્ષ્મી ને શરદી બેમાંથી એકને વહાલી કરવાની ઈચ્છા હોય તેણે પોતાના પરિવાર-વૈદ્યની સલાહ લીધા બાદ પોતાને યોગ્ય લાગે તે કરવું…. અલબત્ત, આ દવાઓ મેં હજુ સુધી લીધી નથી એટલે એ કેટલી અસરકારક છે એની મને ખબર નથી, પણ એટલી ખબર છે કે વૈદ્યો ને ડૉક્ટરોની જેમ આપણે પણ જીવવું છે, માટે વધારે પૈસા ખર્ચીને કોઈપણ દવા ખરીદવાને બદલે શરીરને શુદ્ધ રાખવા ગરમ પાણીમાં લીંબુ નિચોવી તેમાં થોડું મધ નાખી પી જવું – આથી પાચનતંત્રમાં જમા થયેલો શરીરનો કચરો સાફ થઈ જશે ને શરદી પોબારા ગણી જશે.
જલનેતિ નામનો એક સાવ સસ્તો પણ અઘરો પ્રયોગ શરદી માટેનો છે. આ જલનેતિ એટલે શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો મોઢાને બદલે નાક વડે પાણી પીવું. તેને ઉષઃપાન પણ કહેવાય છે. ચશ્માં ટેકવવા ઉપરાંતનો નાકનો આ વિશિષ્ટ ઉપયોગ છે. આ પ્રયોગ માટે માત્ર ત્રણ ચીજો જરૂરી છે. એક તો નાક, નાળચાવાળો, કાણો ન હોય તેવો લોટો યા લોટી ને નાક વડે પાણી પીવાની ઈચ્છા. ઉક્ત જલપત્રમાં નવશેકું ગરમ પાણી ભરી તે નાકમાં ચડાવવું. શરૂઆતમાં તે ઘણું અઘરું લાગશે. છીંક, ઉધરસ, અંતરસ આવ્યા કરશે. આંખ અને નાકમાંથી પાણી ગળ્યા કરશે પણ એને નાકનો સવાલ બનાવ્યા વગર, નાકને એ પીવાની ટેવ પાડશો. બાળક શરૂઆતના દિવસોમાં સ્કૂલે નહીં જવાની જીદ કરે છે એ રીતે નાક પણ પાણી નહીં પીવાની જીદ કરશે, પણ એની જીદને તમે પોષશો નહીં તો એ પણ જીદ છોડી દેશે. આ ઉષઃપાન યાને જલનેતિથી નાક તેમ જ ગળું સાફ થાય છે, અપચો-કબજિયાત મટે છે, આંખનું તેજ વધે છે ને માથાના દુઃખાવામાં રાહત થાય છે, પણ આ પ્રયોગ લગ્નના ભોજન સમારંભ કે કોઈ જાહેર પાર્ટીમાં કરવો નહીં.
ને આ શરદી દેખાય છે એટલી નિર્દોષ નથી હોતી. તે વકરે છે ત્યારે પીનસ, નાક-કાનના રોગો, ફેફસાંની બીમારી, ક્ષયરોગ, ન્યુમોનિયા, જઠરનું ચાંદું, પથરી, ગુરદાની બીમારી વગેરે અનેક મોટી બીમારીઓ આપે છે. તે કાયમી ઉધરસ પણ છોડી જાય છે, પણ ખરાબ રોગો માટે પણ આયુર્વેદમાં સારા શબ્દો વાપરવામાં આવ્યા છે. ઉદા. શરદી માટેનો શબ્દ છે પ્રતિશ્યાય અને છીંક માટે શબ્દ છે ક્ષવથુ. છીંકને આપણે અતિ સામાન્ય ગણીએ છીએ, પણ આ છીંકની ભયંકરતા જાણવી હોય તો રશિયન લેખક એન્ટન ચેખવની છીંક પરની વાર્તા વાંચી જવી. (લાભશંકર ઠાકર વૈદ્ય હોવા છતાં આ વાર્તા તેમની પાસેથી મળી શકશે.)
આ શરદી એક એવી બીમારી છે જેને મટવું હોય ત્યારે જ તે મટે છે, છતાં તેને મટાડવા માટે આયુર્વેદમાં પૂર્ણ શ્રદ્ધા તેમ જ પોતાનામાં ધીરજ રાખીને ચિકિત્સા કરાવવી. સાથેસાથે ધીરજ માટે એવી પ્રાર્થના ઉચ્ચારવી નહીં કે : ‘હે ભગવાન ! મને ધીરજવાન બનાવો, પણ જરા જલદી કરજો.’

No comments:

" Motivational Video "

All Posts on this blog are the property of their respective authors. All information has been reproduced here for educational and informational purposes.