Google Search

Sunday, December 11, 2011

પત્રયાત્રા (ભાગ-3) – પ્રો. ડૉ. મહેન્દ્ર છત્રારા


[1] દુનિયાને ઊંધા ચશ્મા
વગડામાં ઊગેલા-ઊભેલા વડલાની છાયામાં બેસી વનવાસી ઉનાળાની બપોરે નિરાંતે જમતો હોય છે, તે જ સમયે શહેરનો શ્રીમંત તડકાની લૂમાં શેકાયા બાદ એ.સી. કમરામાં લંચ લેતો હોય છે ! તેના બ્રેકફાસ્ટ-લંચ-ડીનર વચ્ચેના સમયમાં તાણભરી દોટ હોય છે…. કેટલા ફોન, કેટલી મીટીંગ, કેટલી નોટ્સ, સતત તનાવ અને રાત પડ્યે પણ ઊંઘનો અભાવ અથવા સપનામાં ભાગમભાગ… લોકો આવા જીવન જીવનારને સુખી કહે છે અને પેલા વનવાસીને દુઃખી ગણે છે. આ રિવાજ બદલવા જેવો નથી લાગતો ? (પણ આપણું માને કોણ ?)
[2] મંથન
પુરાણો મુજબ દેવો-દાનવોએ મળી સાગર-મંથન કર્યું હતું અને પરિણામે વિષ અને અમૃત નીકળ્યા હતા. માનવીનું હૈયું સાગરથી પણ અફાટ-અમાપ-અતળ છે અને તેમાં સદૈવ મંથન થતું રહે છે. વિષ-અમૃત નીકળ્યા કરે છે. વેરઝેરના વિખવાદી-વિષાદી વિષ અને સ્નેહના શીતળ અમૃત…. એના કારણે ઈતિહાસ રચાતો રહે છે અને ભૂગોળ બદલાતી રહે છે… છાશની ગોળીમાં મંથન કરવાથી નવનીત નીપજે… પાણીની ગોળીમાં આવું કરીએ, તો શું થાય ? – પ…ર…પો….ટા !!
[3] રોબોટ દેવતાભ્યો નમઃ
માણસ સતત કામ કર્યા જ કરે, મંડ્યો જ રહે, બધું ભૂલીને દિવસ-રાત મથ્યા જ કરે…. તેણે ખરેખર કામમાંથી સમયાંતરે અવકાશ મેળવી, ખૂલ્લા ઘાસિયા મેદાનમાં લંબાવી શાંત ભાવે આકાશ જોવું જોઈએ. વહેતી નદીના સ્વચ્છ જળમાં પગ ઝબોળી આનંદ મેળવવો જોઈએ, પરિવારના સૌથી નાનકડા બાળક સાથે બાળક બનીને રમવું જોઈએ, ખડખડાટ હસવું જોઈએ, ગીત ગૂંજવા જોઈએ, અમાસની રાત્રે તારક-વૈભવ માણવો જોઈએ, જંગલના વૃક્ષોના ડાયરામાં ભળવું જોઈએ…. જો આમ કરે, તો હાર્ટ એટેક, બી.પી., ડાયાબીટીસના ડૉક્ટરો નવરા ધૂપ થઈને દરિયે જઈને બેસે ! (છે કોઈનામાં હિંમત ?)
[4] વિના મૂલ્યે…મૂલ્યવાન
સાચી પ્રશંસાનો એક શબ્દ થાકેલા પદયાત્રીને કેટલાય કીલોમીટર ચાલવાનું બળ પૂરું પાડે છે. પ્રોત્સાહનનું એક વચન ઉત્સાહીને અનંત ગગનમાં ઊડવાની પાંખો આપે છે, એક માયાળુ સ્મિત દુખિયારાને દિલાસો આપે છે, થોડાક જ મધુરા શબ્દો અડાબીડ બંધ એવા હૃદયના દ્વાર ખોલી આપે છે, માણસ આખેઆખો ઊઘડી આવે છે. વળી આશ્ચર્ય એ છે કે, આ બધું પૈસા ખર્ચ્યા વિના, તદ્દન મફત થાય છે અને આશ્ચર્યનું આશ્ચર્ય એ છે કે, તેમ છતાં ભાગ્યે જ કોઈ આ અજમાવે છે !!
[5] અસલ-નકલ
ઈમીટેશન જ્વેલરી પર ગોલ્ડ પ્લેટીંગ કામ કરતા એક ભાઈ મળ્યા…. પૂછ્યું, ‘સોનાના દાગીના પર ઢોળ ચડાવો છો ?’ જવાબ – ‘એની શું જરૂર ?’ જવાબરૂપે મળેલા સવાલમાં જ જવાબ હતો ! જે નકલી દાગીના છે, તેને જ પ્લેટીંગ કરવું પડે છે… વધારે પડતી ટાપટીપ, બ્યુટી પાર્લરનો અનિવાર્ય આશ્રય, મોંઘાદાટ ઘરેણા અને વસ્ત્રો – આ બધાની સામે તંદુરસ્તીસભર સાદગી પ્રપૂર્ણ સૌન્દર્ય ધરાવતી સંસ્કારી યુવતીના વ્યક્તિત્વની મહેક અલગ જ ન હોય શકે ? સાદા વ્યવસ્થિત વસ્ત્રોવાળો માનવી તેના ઉચ્ચ વિચાર/આદર્શ/સંસ્કારને કારણે આપોઆપ આદર મેળવે છે…. દા..ત, મહાત્મા ગાંધી !
[6] જય હો જીવનનો !
ધરતીને ફાડીને ઊગતું ઘાસનું તણખલું પણ જીવનનો જય દર્શાવે છે. કાળમીંઢ પથ્થરની તિરાડમાં પડેલું નાનકડું બીજ અંકુરિત થઈને વૃક્ષરૂપે મ્હોરે છે, વિકસે છે, વિલસે છે, તે જીવનના વિકાસની પ્રક્રિયાનું નિર્દેશક છે – તે આપણને મૌન ભાષામાં સમજાવે છે કે, વિષમ પરિસ્થિતિમાં વિકસવું – એ જ ખરો જીવન-વિજય છે. જગતના વિવિધ ક્ષેત્રોમાં ટોચની સફળતા મેળવનાર દરેક મહાપુરુષોની જીવન-ગાથા વાંચતા-સમજતા આ વાત સહેલાઈથી સમજાય છે. અનુકુળ સ્થિતિમાં સૌ કોઈ પાંગરે, પ્રતિકુળ સ્થિતિમાં પાંગરવું – એ જ ધન્યતા છે !
[7] માપો નહીં, પામો
પૃથ્વી પરનો મોટા ભાગનો માનવ-સમાજ દુઃખી છે, તેના વિવિધ કારણોમાંનું એક કારણ છે – અન્યને માપવાની ટેવ… માણસને એ કુટેવ છે, બીજાને સતત માપ્યા કરવાના… પોતાની ફૂટપટ્ટી નાની છે, તે જાણવા છતાં આવી પ્રવૃત્તિમાં તેને ન જાણે કેવી ‘મજા’ પડે છે ! માણસને ‘માપવા’ને બદલે જો ‘પામવા’ની વૃત્તિ આવે, તો જગતભરની વિષમતા-વિટંબણા આપોઆપ દૂર થઈ જાય. માપવા જતાં છિદ્રાન્વેષી દષ્ટિ કામ કરે. પામવામાં શુદ્ધ સ્નેહ-અનર્ગળ પ્રેમ સક્રિય બને… સામેનાને પામવા પ્રયાસ કરવો, એટલે આપણી નિર્વ્યાજ લાગણીની અભિવ્યક્તિ કરવી ! (પડઘો પડ્યા વગર રહે ?)
[8] એકાંત
સંસારના સઘળા ઘોંઘાટ વચ્ચે, અનેક લોકોની આવનજાવન વચ્ચે, સારા-માઠા પ્રસંગોમાંથી પસાર થતાં, ગમતી-અણગમતી પ્રવૃત્તિની જંજાળ વચ્ચે, દિવસની જબ્બર વ્યસતતા વચ્ચે કે રાત્રિના ઊંઘના અભાવે ગોથાં ખાતા, ખુશીના માહોલમાં કે ગમગીનીની સ્થિતિમાં – જેને પણ પોતાનું એકાંત મેળવતા આવડી ગયું તે જીતી ગયો ! પોતીકા એકાંતની વિશિષ્ટ મનોમય સ્થિતિમાં જે થોડા શ્વાસ લઈ શકે છે, તે ગમે તેવા ઊંડાણમાં તરી શકે છે, બાકી – ડૂબનારાને આપણે ક્યાં નથી જોયા ?
[9] ચાર અક્ષરનો મહામંત્ર – ‘ટૂંકું કરો.’
પોતાની વાત કે વિચારને સુઘડરૂપે સંક્ષિપ્તમાં રજૂ કરવામાં એક કલા છે, જે બહુ ઓછા સમજે છે. ઘણાને લાંબી રીતે, માંડીને વાત કરવાની ટેવ હોય, તે સાંભળનાર માટે ત્રાસદાયક બની રહે ને એવી વ્યક્તિ વાત કહેનારને ‘લપિયા’માં ખપાવી દે ! સારા શબ્દોમાં શક્ય ટૂંકી રીતે, છતાં સ્પષ્ટ રીતે વિચારને મૂકવો અઘરો છે. વાત લંબાવવાથી વાદ-વિવાદના ગંદા ખાબોચિયા રચાય, વકીલોનો વ્યવસાય વધે, અદાલતો ચાલતી રહે. ક્યારેક તો વાતના મૂળમાં કાંઈ ન હોય ને હાઈકોર્ટમાં હાલતી હોય ! મૂળ મુદ્દાને પકડી જાણે છે અને કોઠાસૂઝથી સમજી શકે છે, સરવાળે તેઓ જ જીતે છે !
[10] સત્યમ
નાનકડા ગોળા જેવી પૃથ્વી પર જ નહીં, સમગ્ર બ્રહ્માંડમાં એક અફર નિયમ પ્રવર્તી રહ્યો છે, તે છે સત્યનો. ગાંધીજીએ સત્ય એ જ પરમેશ્વર કહ્યું, એ શબ્દો આત્માના તેજ સમાન છે. સત્યને ખાતર હરિશ્ચંદ્ર, સોક્રેટીસ, જીસસ, હઝરત મોહમ્મદ, ગાંધી જેવા અનેક આત્મબલિદાન આપી ગયા. આત્યંતિક રૂપે (છેવટે) સત્ય જ જીતે છે. આજના યુગમાં પણ નાના નાના ગાંધી/સોક્રેટીસ સત્યની ઉપાસના કરતા હશે ને સમાજની ઉપેક્ષા સહન કરતા હશે…. જગતની માનવજાતનો ઈતિહાસ કબૂલે છે કે, માનવજાતે સત્યના આરાધકોને જીવતા પીડ્યા અને મૃત્યુ પછી પૂજ્યા ! સત્યને સુવર્ણના આવરણથી ઢાંકવાના પ્રયાસો પણ થયા, પણ અટલ-અફર-શાશ્વત-ચિરંતન-વૈશ્વિક સત્તાના પાયામાં સત્ય જ રહેલું છે.
[11] શબ્દ-બીજ
વિશાળ મકાન-મિલકત કે બહુ મોટું ખેતર કે જમીન હોય, તેના દસ્તાવેજના કાગળો (તેના પ્રમાણમાં) ઘણા જ નાના હોય છે અને આ દસ્તાવેજી કાગળોમાંના છેલ્લા કાગળના અંતે તેના માલિકની સહી (હસ્તાક્ષર) તો સાવ નાનકડી હોય છે…. આટલી નાની સહીથી તે મિલકતનું દાન થઈ શકે, ગીરો કે વેચાણ થઈ શકે…. તેમ ક્યારેક ઉચ્ચારાયેલો એક જ નાનકડો શબ્દ અનંત શક્યતાઓના દ્વાર ખોલી નાખનાર બની રહેતો હોય છે ! કાનમાં પ્રવેશી હૈયાની ભૂમિમાં કોઈ શબ્દનું બીજ પડે, તો ઘેઘૂર વૃક્ષ તેમાંથી ઊગી જાય ! (વાલિયો લૂંટારો વાલ્મીકિ ઋષિ બન્યો !!)
[12] એક માટીનું કોડિયું, તેની જ્યોત અપરંપાર !
ઈલેક્ટ્રીસીટી ન હતી, ત્યારે વૈભવી ઘરોમાં ફાનસ અજવાળું રેલાવતા અને બાકીના સાધારણ ઘરોમાં કોડિયામાં અજવાસ પ્રગટતો. દીવાળીના દિવસોમાં ઘર ને ડેલીના ટોડલે કે ગોખલામાં આવા કોડિયા પ્રકાશની જમાવટ કરતાં, વળી નોરતામાં ગરબામાં નાનું કોડિયું પેટાવી મૂકાય અને નાનકડી જગદંબાના મસ્તક પરની ઈંઢોણી (આ વસ્તુ પણ ગઈ ને શબ્દ પણ ગયો !) પરના ગરબાના કાણામાંથી તારલિયા જેવું અજવાળું શેરીમાં રમતું જતું ! કોડિયું ભલે વિસરાયું, પણ સમજણનું તેલ પૂર્યું હોય, તેવા મનના કોડિયામાં વિવેકની વાટ દ્વારા આત્મજ્ઞાનનો પ્રકાશ તો ફેલાય જ ! મનનું કોડિયું – આતમદીપના અજવાળા !

No comments:

" Motivational Video "

All Posts on this blog are the property of their respective authors. All information has been reproduced here for educational and informational purposes.