Pages

Thursday, February 9, 2012

Gujarati Poems III

ભાનુપ્રસાદ પંડ્યા - શ્રાવણ વદમાં

(કાવ્યપ્રકાર : ગીત)

રહી રહીને નેવલું ઝરે થઈ મીરાંનું ગીત !
આંખથી ખસી ગૈ આંસુની પાતળી એક પછીત !

ધૂળમાં ઊગી ફરકે લીલો દેવકીનો ઉલ્લાસ !
છૂટતી કારાગારથી જાણે એમ ઊડી સુવાસ !

ઓસરી પાસે થાંભલી પાસે સાંજ ઢળે આકુલ !
સીમથી સમીપ આવતું ત્યાં તો ઠેકતું રે ગોકુલ !

હાંઉ ! લ્યો, આવી દૂરથી ઓરા ડેલીએ ઊભા પંથ !
ઘરમાં હવે માય ના એવી ઉભરાણી છે ખંત !

અંધારને લઈ ગોદમાં મીઠું મરકી રહી રાત !
કાલ તો એવો ઊછરીને એ થઈ જાશે પરભાત !

ભાનુપ્રસાદ પંડ્યા


મુકેશ જોષી - હવે જમાનો ડૉટ કોમનો

કોઇ કોઇને ના પૂછે : તું હિંદુ કે મુસ્લિમ કોમનો
હવે બધાંને ભળી જવાનું હવે જમાનો ડૉટ કોમનો

એના ઇંટરનેટ ઉપર તો આપણ બધા ડોટ
પ્રગટ થવાનું લુપ્ત થવાનું એને હાથ રિમોટ
અલ્લાહ અકબર બોલો ત્યાં તો નાદ સુણાતો હરિ ઓમ્નો
હવે બધાંએ ભળી જવાનું હવે જમાનો ડૉટ કોમનો

મંદિર મસ્જિદ નાની નાની વેબ પેજની સાઇટ
સહુ મેળવતાં લાયકાતથી આછી ઘેરી લાઇટ
સાથે રહેતાં શીખ્યા તેથી વટ્ટ પડે છે રવિ-સોમનો
હવે બધાંએ ભળી જવાનું હવે જમાનો ડૉટ કોમનો

મુકેશ જોષી


અમૃત ઘાયલ - રડી લઉં છું

અવનવા પ્રસંગો છે, મુજ રીતે લડી લઉં છું
કો’ સમે હસી દઉં છું, કો સમે રડી લઉં છું

વિશ્વથી અનોખી છે, રીત મુજ વિલાપોની
હાસ્યને બહાને પણ ખૂબ હું રડી લઉં છું

લાખ વાતે મનગમતું આ નથી ઘડાતું મન
જિંદગી તો જેવી હું ચાહું છું ઘડી લઉં છું

સ્વર્ગ હો કે હો પૃથ્વી દૂર ક્યાં જવાનીથી
એક ફાળમાં બંને દુનિયા આથડી લઉં છું

હુંય એ વિચારું છું, આ કઈ બિમારી છે,
હેતુ વિણ હસી દઉં છું, અર્થ વિણ રડી લઉં છું

કર્મ કો’ છે ક્યાં ‘ઘાયલ’ કીર્તિ લોભથી ખાલી
પુણ્યના સહારે પણ પાપમાં પડી લઉં છું

-અમૃત ‘ઘાયલ’


‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - પશ્ચાતાપ

[કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi)] તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો ‘તો !
તેમાં લોહી નિરખી વહતું ક્રૂર હું તો હસ્યો ‘તો !

એ ના રોયું, તડફડ થયું કાંઇ ના કષ્ટથી એ !
મેં જાણ્યું કે જખમ સહવો સ્હેલ સ્હેનારને છે !

કિન્તુ નિદ્રા મુજ નયનમાં ત્યારથી કાં ન આવી ?
રોતું મ્હારૂં હ્રદય ગિરિ શા ભાર નીચે દબાઇ !
રે રે ! તે ઘા અધિક મુજને મૃત્યુથી કાંઇ લાગ્યો,
એ અંગારો મુજ જિગરના મૂળને ખાઇ જાતો !

કેવો પાટો મલમ લઇને બાંધવા હું ગયો ‘તો!
તે જોઇને જખમી નયને ધોધ કેવો વહ્યો ‘તો !
એ અશ્રુ, એ જખમ, મુખ એ, નેત્ર એ, અંગ એ એ
બોલી ઉઠયાં પરવશ થયાં હોય સૌ જેમ હેતે : -

“વ્હાલા ! વ્હાલા ! નવ કરીશ રે ! કાંઇ મ્હારી દવા તું !
“ઘા સ્હેનારૂં નવ સહી શકે દર્દ ત્હારી દવાનું !
“ઘા દે બીજો ! અગર મરજી હોય તેવું કરી લે !
“ત્હારૂં તેનો જરૂર જ, સખે ! પૂર્ણ માલીક તું છે. ”

ત્યારે કેવાં હ્રદય ધડક્યાં સાથસાથે દબાઇ !
વ્યાધિ તેની, મુજ જિગરની પૂર્ણ કેવી ભૂલાઇ !
ઘા રૂઝાયો, સમય બહુ એ ક્રૂર ઘાને થયો છે,
ત્હોયે તેનું સ્મરણ કરતાં નેત્ર ભીનાં વહે છે !

હા ! પસ્તાવો - વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડુબકી દઇને પુણ્યશાળી બને છે;
ઓહો ! કેવું સ્મરણ મધુરૂં પાપનું એ ધરે છે !
માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે.

રાજ્યોથી કે જુલમ વતી કે દંડથી ના બને જે
તે પસ્તાવો સહજ વહતાં કાર્ય સાધી શકે છે !
હું પસ્તાયો, પ્રભુ ! પ્રણયીએ માફી આપી મને છે,
હું પસ્તાયો, મુજ હ્રદયની પૂર્ણ માફી મળી છે.

‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ


હિતેન આનંદપરા - આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર


આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર
ફોડ પાડીને કહું તો, લાભ કે વળતર વગર

જંગલો ખૂંદી વળેલો, ગામનો જણ - શહેરમાં
બેધડક રસ્તા ઉપર નીકળી શકે નહીં ડર વગર

કાળ તો તત્પર સદા, મારા પ્રહારો ઝીલવા
હું જ પાગલ હાથ ફંગોત્યા કરું ગોફણ વગર

માણસોને ચારવા નીકળી પડેલું આ નગર
સાંજના, ટોળું બની પાછું ફરે માણસ વગર

હું હજારો યુધ્ધનો લઇને અનુભવ શું કરું ?
જિંદગીમાં કાયમી લડવાનું છે લશ્કર વગર

તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.

- હિતેન આનંદપરા


રમણીક અગ્રાવત - પાછાં આવ્યાં પતંગિયાં

સાત સૂરોના રંગમાં
વાગ્યો સ્કૂલનો ઘંટ
થયાં મોકળાં દ્વાર
ઊમટ્યાં પતંગિયાં…

પાંખ હિલોળતે ઊછાળતાં દફ્તરો
જગાડતાં રસ્તા સૂના
ઊમટ્યાં પતંગિયાં…

સ્વર સોનાના રૂપાના વ્યંજનો
ભાષા ગુલાલ ગુલાલ
ઊમટ્યાં પતંગિયાં…

બારીએ બારણે ડોકાયા ઉમળકા
ઘરેઘર પહોંચ્યો કિલકિલાટ
ઊમટ્યાં પતંગિયાં…

રમણીક અગ્રાવત


મુકેશ જોષી - તારા અક્ષરના સમ

જો મારી આંખોનો આટ્લો ધરમ
તારી ટપાલ રોજ વાંચે ને પૂજે ને ચૂમે ને બસ -
- તારા અક્ષરના સમ

તું મારી વાદળી શાહીમાંથી વાદળાં કેવાં ઉડાડતો હું જાણતી
અક્ષરની વાછરોટ ઉપરથી વરસે ને અર્થોની નદીઓ બહુ તાણતી
કેવી પગલાઇ તું પગલાં શણગારતો, હું મારા ભૂંસતી કદમ
- તારા અક્ષરના સમ

કાગળને તળિયે તે વાવેલી મ્હેક, વેંત ઉપર તે મેઘધનુષ પાથર્યા
શબ્દોની વચ્ચેના ચાંદરણે આવી ને શમણાંને અધવચ્ચે આંતર્યા
જેટલા અક્ષર તે કાગળમાં ન હીં લખિયા, એટલા મેં લીધા જનમ
- તારા અક્ષરના સમ

મુકેશ જોષી


સુરેશ દલાલ - બેઠી છે


દશે દિશાઓને વેદનાને
પોતાનામાં સમાવી
એક સ્ત્રી
વૃક્ષના પડછાયામાં બેઠી છે.

સમુદ્રનાં
આછાં ભૂરાં જળનાં વસ્ત્રો
પહેર્યા છે.

ચહેરા પર દેખાય છે
ઉદાસીના ઉઝરડા.

એની આસપાસ
કશું શ્વેત નથી
નથી કશું શ્યામ.

આશાનો ભૂખરો રંગ લઇને
ચંદ્ર પરાણે ઊગે છે આકાશમાં
એતો માત્ર બેઠી છે ચૂપચાપ.

મૌનથી પણ એને
કશું કહેવાનું નથી.

સુરેશ દલાલ


રમેશ પારેખ - વરસાદ એટલે શું?

રમતાં રમતાં ધૂળના ખોબા ભરી ઢોળતા બાળક જેવું -
ટપકે નેવું.

પલળેલી ચકલી થથરાવી પાંખ પવનમાં પૂરે ઝીણી ફફરની રંગોળી.
નેવાં પરથી દડી જતું પાણીનું ટીપું પોતાનું આકાશ નાખતું ઢોળી.
એ પણ કેવું … !

દૂર કોઇના એક ઢાળિયા ઘરની ટોચે. નળિયામાંથી નીકળતો ધુમાડો.
કૂતરું અડધું ભસે એટલામાં ટાઢોદું ફરી વળે ને બૂરી દે તિરાડો.
કેવળ એવું … !

પીળી પડતી જતી છબી પર નજર જાય ને ફુરચા સરી પડે છે ભોંયે.
લીલા ઘાસની વચ્ચેથી પાણીની ઝાંખી સેર બનીને ફરવા નીકળ્યા હોંયે.
ખળખળ વહેવું … !

ઘરમાં સૂતો રહું ને મારા પગ રઝળે શેરીમાં, રઝળે ભીંતે કોરી આંખો.
હું માણસ ના થયો હોત ને હું ચકલી હોત ને મારી હોત પલળતી પાંખો.
કોને કહેવું ?

રમતાં રમતાં ધૂળના ખોબા ભરી ઢોળતા બાળક જેવું -
ટપકે નેવું.

રમેશ પારેખ


પંચમ શુક્લ - યુનિકોડ ઉદ્યોગ


(ખાસ પંચમ શુક્લને આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

(વર્ણસંકર અછાંદસ ગીત )

અગણિત જણ આરાધે અનહદ યુનિકોડ ઉદ્યોગ.

બિલાડીના ટોપ સમાં,
અહીં તહીં લ્યો ઉગી રહ્યાં છે
ખાદ્ય-અખાદ્ય બ્લોગ. * અગણિત જણ આરાધે…

છપ્પનિયાનાં હડસેલાઓ ખાઈ ખમીને,
ઘઉંની સાથે ધૂળનાં ઢેફા ભરડી ભરડી,
બે હાથે આરોગે શબ્દો- કવિ, લેખક, સહુ લોગ. * અગણિત જણ આરાધે…

સેલ્ફ-પઝેસ્ડ સંચાર જણાયો સંન્નિધ સહજ યોગ.
બુધ્ધી લચીલી, તૂર્તજ ખીલી
ઝબકારે ઝીલી રજ્જૂહીન સંયોગ. * અગણિત જણ આરાધે…

ના સીમા, ના રેખા કે કદ, ના અંકુશ ના બંધન,
ચાર વીઘાનું ખેતર કણકણ ચોસઠ જોજન ઉપવન.
અવકાશી અનુસાશન રચતું નિરાકાર આયોગ. * અગણિત જણ આરાધે…

હસ્વઈ-દીર્ઘઈ, ઉંઝો-વીંઝો, તોડો-જોડો કે મચકોડો
લલિત લવંગ ઘટા ઘાટીલી- રૂપ ધરે, બહુરૂપ વરે,
ને અડકો ત્યાં રોમાંચ સરે આ રતિક્રીડા કે અર્થોનું ઉત્થાન અરે!
વર્ણ વર્ણનું છદ્મ-સંકરણ કરે ઉઘાડે-છોગ. * અગણિત જણ આરાધે…

યુનિકોડના સહજ પ્રવેશે
કુંચન-મર્દનને અનુસરતો
ફોન્ટલેસ આ શબ્દોનો સોફ્ટ-સોફ્ટ સંભોગ. * અગણિત જણ આરાધે…

પંચમ શુકલ

આદિલ મન્સૂરી - પળ આવી

ડગલું ભરવાની પળ આવી,
મેરુ ચળવાની પળ આવી.

પાંપણ ઢળવાની પળ આવી,
સપનું ફળવાની પળ આવી.

ઘરખૂણે ખોવાઈ ગયા ત્યાં,
રસ્તે જડવાની પળ આવી.

આંખો બંધ કરીને બેઠા,
મૌન ઊઘડવાની પળ આવી.

મંજિલ ડગલું માંડ હતી ત્યાં,
પાછા વળવાની પળ આવી.

જો પાછાં અંધારાં ઊતર્યાં,
દીવો કરવાની પળ આવી.

દરિયા તો સૂકાઈ ચાલ્ત્યા,
મૃગજળ તરવાની પળ આવી.

છૂટા માંડ પડ્યા ત્યાં આદિલ,
પાછા મળવાની પળ આવી.

આદિલ મનસૂરી


હિતેન આનંદપરા - બપોર

તપ્ત થયેલી બપોર
ઝાળઝાળ આકાશ આરોગે
વિલાતી ક્ષણોના સાન્નિધ્યમાં
સૂર્ય તેના તેજોમય સ્વરૂપથી અહંકારિત
ભડભડ બાળે સૃષ્ટિને
પડછાયાઓ માણસ કરતાંય ટૂંકા
ભટકે અહીં તહીં
તરસના કાળા ફીણાઉ પરપોટા ઓઢી
પીળાં પડી રહેલાં પાંદડાં
પીઠની લીલાશને બચાવવામાં વ્યસ્ત
મરણોન્મુખ ઊભેલું ઘાસ
ખેતરની કોરે ઊભેલા બળદને ચસચસ ચાવે
ગરમ લૂ વાગોળતું મુખ વરાળ ફેંકે
ઊના ઊના દેહથી દાઝી ગયેલી હવા
હાંફતા એઅવાજે પૂછ્યા કરે
રગોમાં વહી રહેલો સૂર્ય ક્યારે આથમશે ?

હિતેન આનંદપરા


જયા મહેતા - એક જળનું ટીપું

એક જળનું ટીપું
આંખેથી સર્યું
ને
આસું થયું

એક જળનું ટીપું
ગુલાબ પાંખડી પર ઠર્યું
ને
ઝાકાળ થયું

એક જળનું ટીપું
સરિતમાં ભળ્યું
ને
કાંઠે બંધાયું

એક જળનું ટીપું
સાગરમાં ભળ્યું
ને
અનહદ થયું

જયા મહેતા


જ્યોતિ હિરાણી - સંબંધ

કદી ચાહી શકાય નહિ જેને
ને માત્ર જોડાયેલાં રહેવું પડે જેની સાથે વર્ષો લગી,
એ બાબત
જૂની જર્જરિત દીવાલથી ખરતા જતા રંગના પોપડા જેવી
બનતી જાય છે.
એક પછી એક ખરતા જાય એ થોડા થોડા વખતે
ને અંદરનાં ધાબાં સ્પષ્ટ થતાં જાય વરવી રીતે…
ફરી નવા રંગનો કોન્ટ્રેક્ટ , ફરી દિવાલો સોહામણી…

પણ નિર્વસ્ત્ર સંબંધને પછી કોઇ નવો રંગ
ઢાંકી શકતો નથી.
માત્ર કોટિંગ થયા કરે
ફરી ઊખડવા માટે…

જ્યોતિ હિરાણી

No comments:

Post a Comment