Pages

Sunday, December 11, 2011

ધરતીના સાદ – નાથાલાલ દવે


એવા આવે છે ધરતીના સાદ રે…. હાલો ભેરુ, ગામડે !
ભીની માટીની ગંધ આવે યાદ રે…. હાલો ભેરુ, ગામડે !
બોલાવે આજ એનાં ખુલ્લાં આકાશ,
મીઠા પરોઢના અલબેલા ઉજાસ,
ઘેરા ઘમ્મર વલોણાના નાદ રે…. હાલો ભેરુ….
ચારીશું ગાવલડી ડુંગરના ઢાળે,
બાંધીશું હીંચકો વડલાની ડાળે,
મોર ગહેકે જ્યાં સરવરની પાળ….. હાલો ભેરુ….
ગાઓ રે બંધવા ! ગામડાંના ગીત,
યાદ કરો ભોળુડાં માનવીની પ્રીત,
જાણે જિંદગીનાં મીઠા નવનીત રે…… હાલો ભેરુ….
ખૂંદવાને સીમ ભાઈ ! ખેડવાને ખેતરો,
ભારતના ભાવિનાં કરવા વાવેતરો,
હે જી કરવા માભોમને આબાદ રે….. હાલો ભેરુ…..

1 comment: