Pages

Monday, December 5, 2011

" વાસ્તુમાં મુખ્ય દ્વાર "



કોઇ પણ મકાનના પ્રવેશદ્વારની દિશા અને સ્થિતિ ખૂબ જ વધારે મહત્ત્વ ધરાવે છે, કારણ કે તે મકાનનું આમુખ (આગવું મુખ) હોય છે. તે વાસ્તુ માટે અનુકૂળ કે પ્રતિકૂળ પ્રભાવ પણ નિર્ધારિત કરે છે. તેથી ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર યોગ્ય દિશામાં અને વાસ્તુના નિયમ પ્રમાણે બનાવેલું હોવું જોઈએ.
પ્રવેશદ્વારની ઊંચાઇ અને પહોળાઇનું માપ, બે ખૂણેથી તેની સ્થિતિ,ગ્રિલની ડિઝાઇન વગેરે બાબતો એવી છે જેની ઉપર ધ્યાન આપવું જરૂરી છે. પ્રવેશદ્વાર બનાવવા માટે વપરાયેલું લાકડું, પ્રવેશદ્વારની ઊંચાઇ, સિંગલ કે ડબલ દ્વાર વગેરે વાસ્તુને સમતોલ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રવેશદ્વાર સુધી પહોંચવાનો રસ્તો કે પ્રવેશદ્વાર તરફની દીવાલ પણ મકાનમાં રહેનારના ભાગ્યને પ્રભાવિત કરે છે.
વાસ્તુમાં મુખ્ય દ્વાર એક જ હોય છે. બીજા દરવાજા ક્યાં અને કેટલા હોવા જોઇએ તે પણ ખૂબ જ મહત્ત્વની બાબત છે. વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દરવાજો ક્યાં હોવો જોઇએ તે અગત્યની બાબત છે. મુખ્ય દ્વારની દિશા અને તેનું સ્થાન નક્કી કરવામાં જો કાળજી લેવામાં ન આવે તો ઘર માલિકને ભારે વિટંબણાઓ વેઠવી પડે છે. દ્વાર ક્યાં મૂકવું તે નક્કી કરવા ૮૧ પદના વાસ્તુચક્રનો ઉપયોગ કરવો જોઇએ. આ વાસ્તુચક્રના દરેક ખાનામાં દેવતાઓનો વાસ છે અને યોગ્ય દેવના પદમાં જો દરવાજા આવે તો ખૂબ જ સુખી જીવન જીવી શકાય. આ વાસ્તુ ચક્રમાં દર્શાવ્યા મુજબ ઈશાન ખૂણાથી પૂર્વ બાજુ બે પદ છોડીને બાકીના બે પદમાં દરવાજો મૂકી શકાય. જ્યા પર્જન્ય, જયંત અને ઇન્દ્રનો વાસ છે. પર્જન્યના પદમાં દરવાજો રાખતા સ્ત્રીલાભ થાય, જીવનમાં વિપુલ લક્ષ્મી તથા રાજ્યલાભ અને ઈન્દ્રના પદમાં દરવાજો મૂકતા ધનધાન્ય અને પુત્રલાભ થાય છે.
નૈઋત્ય ખૂણાથી પશ્ચિમ બાજુ ચાર પદ છોડી મુખ્ય દ્વાર બનાવી શકાય છે. આ પદ વરુણનું છે અને આ પદમાં દરવાજો રાખવાથી ઐશ્વર્ય અને સુખ આવે છે. વાયવ્ય ખૂણાથી ઉત્તર બાજુ બે પદ છોડીને બાકીનાં ત્રણ પદમાં દરવાજો મુકાય છે. આ પદમાં મુખ્ય,ભલ્લાટ અને સોમનો વાસ છે. મુખ્યના પદમાં દરવાજો ધનલાભ કરાવે છે. ભલ્લાટના પદમાં દરવાજો સુખ, શાંતિ આપે છે અને સોમના પદનો દરવાજો ધર્મ, શાંતિ, ઉત્કર્ષ અને ધનલાભ કરાવે છે.
વાસ્તુમાં દરવાજા માટે ઘણી બધી થિયરી જોવા મળે છે, પરંતુ વિશ્વકર્મા પુરાણમાં દર્શાવ્યા પ્રમાણે જ્ઞાતિ મુજબ પણ દરવાજા અને દિશાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. જેમ કે, ચાર વર્ણની જાતિ છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ દરેક જાતિને પોતાની દિશા હોય છે. જો આ દિશા પ્રમાણે જાતક પોતાનું ઘર બનાવે ત્યારે પણ મુખ્ય દ્વારને ધ્યાનમાં રાખવું જોઇએ. જેમ કે,
બ્રાહ્મણ વર્ણના જાતક માટે પશ્ચિમ દિશા શુભ છે.
ક્ષત્રિય વર્ણના જાતક માટે ઉત્તર દિશા શુભ છે.
વૈશ્ય વર્ણના જાતક માટે પૂર્વ દિશા શુભ છે.
શુદ્ર વર્ણના જાતક માટે દક્ષિણ દિશા શુભ છે.
આ વાત તો વર્ણ પ્રમાણે થઇ પરંતુ હાલના સંજોગોમાં ખૂબ જ મોટી બહુમાળી ઈમારતો બને છે. ફ્લેટ, બંગલાઓ, ટેનામેન્ટ જે વાસ્તુ મુજબ બનાવવામાં ન આવ્યા હોય તે બંગલા કે ફલેટની ડિઝાઈન દેખાવે ભલે સારી હોય, પરંતુ અંદરની બાજુ વાસ્તુ સંમત ન હોવાથી તેમાં રહેવા ગયા પછી ઘણી તકલીફો આવે છે અને સ્વાસ્થ્ય ખરાબ થાય છે. ગૃહપ્રવેશ કરતી વખતે ઘણી વખત મુહૂર્તનો સમય નીકળી જાય છે અને પછી ખોટા સમયમાં પ્રવેશ થવાથી પણ ઘણી તકલીફો આવતી હોય છે. જો પહેલેથી મુખ્ય દ્વારની દિશા જોઇને મકાન લેવામાં આવે તો આ બધી તકલીફોમાંથી રાહત મેળવી શકાય છે. માટે જ એસ્ટ્રો વાસ્તુ પ્રમાણે જે જાતકના નામે ઘર લેવાનું હોય તેના જન્માક્ષર અચૂક જોવા જોઈએ. તે વ્યક્તિને કઇ દિશાથી ફાયદો છે તે નક્કી કર્યા પછી જ ઘરના મુખ્ય દ્વારની પસંદગી કરવી જોઇએ. જન્માક્ષર જોયા વગર ઘરમાં દ્વાર બનાવવામાં આવે તો મુશ્કેલી જોવા મળે છે. હાલના સમયમાં આપણે ઘર લેવાનું હોય ત્યારે ફક્ત પૂર્વ-પશ્ચિમ દરવાજો છે તે જોઇને જાતે જ નક્કી કરીએ છીએ કે બરાબર છે,પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ બધી જ દિશાઓ શુભ છે. કોઇને ઉત્તર દિશાથી ફાયદો થાય તો કોઇને દક્ષિણ દિશાથી ફાયદો થાય. માટે જ પોતાને જે દિશાથી લાભ થાય તે દિશાના દરવાજાનો આગ્રહ રાખવો જોઇએ.
એસ્ટ્રો વાસ્તુ મુજબ મુખ્ય દ્વારને આપણે ઘરનું મુખ કહીએ છીએ જ્યોતિષશાસ્ત્ર મુજબ મુખ એટલે રાહુ. રાહુ ગ્રહનું આધિપત્ય દરવાજા ઉપર રહેલું છે. જન્મકુંડળીમાં ચોથા સ્થાનનો અધિપતિ સુખેશ-લગ્ન, ચોથે, સાતમે, દસમે, કેન્દ્રમાં, પાંચમે, ભાગ્યમાં ત્રિકોણ સ્થાનમાં બળવાન થતા હોય અને શુભ ગ્રહ સાથે સ્વગ્રહી કે ઉચ્ચના થતા હોય તો મકાન સુખ મળે છે.
કર્ક, તુલા, મેષ અને મકર લગ્ન (રાશિ)વાળા મકાનનું સુખ ખૂબ જ ઝડપથી પ્રાપ્ત કરે છે. સિંહ, વૃશ્ચિક, વૃષભ અને કુંભ લગ્નવાળા મકાનનું સુખ મોડેથી મેળવે છે. જ્યારે મિથુન, ધન, મીન અને કન્યા લગ્નવાળી વ્યક્તિ કોઈ નિર્ણય પર આવી શકતી નથી.
ચોથે મેષ રાશિ હોય તો પૂર્વાભિમુખ બારણું, કર્ક રાશિ હોય તો ઉત્તરભિમુખ બારણું, તુલા રાશિ હોય તો પશ્ચિમાભિમુખ પ્રવેશદ્વાર અને મકર રાશિ હોય તો દક્ષિણાભિમુખ બારણાવાળું ઘર જાતકને મળે છે. ગ્રહોની શુભ ઘડી જાતકને શુભ ફળ આપે છે. માટે જ એસ્ટ્રો વાસ્તુ મુજબ ઘરનું મુખ્ય દ્વાર નક્કી કરવું જોઇએ.
‘ત્રિકરં પંચકરં તત્ સપ્તકરં દ્વારવિસ્તમ્,
તારદિગોન્સેધં ચાધ્યર્ધ વાકધ્રિહીંનં તત્.’
દરવાજાનું માપ, સમય, સ્થળ અને જાતક પ્રમાણે ફેરબદલ કરી શકાય તેવા હોવા જોઇએ. દરવાજાની પહોળાઇ ૩, ૫, ૭, ક્યુબિક હોય અને તેની ઊંચાઇ તેનાથી બમણી કે દોઢગણી રાખવામાં આવે છે. મુખ્ય દરવાજાનું યોગ્ય માપ નક્કી કરીને જ દરવાજો બનાવવો જોઈએ. વાસ્તુમાં દ્વાર દોષનું પણ ઘણું જ મહત્ત્વ હોય છે. માટે મુખ્ય દરવાજા સામે કોઇ પણ પ્રકારનો વેધ ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું.

No comments:

Post a Comment